ભારતે 8 દિવસમાં બીજા પાક. અધિકારીને ‘પર્સોના નોન ગ્રેટા’ જાહેર કર્યા; દેશ છોડવા આદેશ

નવી દિલ્હી: ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત એક પાકિસ્તાની અધિકારીને હાંકી કાઢ્યા છે. તેમના રાજદ્વારી દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ભારતે પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા (Persona non grata) જાહેર કર્યા છે, આ સાથે અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, “ચાર્જ ડી’અફેર્સ પાકિસ્તાન હાઈ કમિશનને આજે આ અંગે એક ડિમાર્ચ પાઠવવામાં આવ્યું હતું. તેમને કડક રીતે ખાતરી કરવા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોઈપણ પાકિસ્તાની રાજદ્વારી અથવા અધિકારી તેમના વિશેષાધિકારો અને દરજ્જાનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે.”
જોકે, વિદેશ મંત્રાલયે પાકિસ્તાની અધિકારી સામે કોઈ ચોક્કસ આરોપ જાહેર કર્યો નથી. જો કોઈ રાજદ્વારીને જ્યારે પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવે તેનો મતલબ છે કે તેનું એ દેશમાં હવે સ્વાગત નથી. સરકાર તેમને સામાન્ય રીતે કારણ સમજાવ્યા વિના જ છોડી દેવાનું કહેવામાં આવે છે.
આપણ વાંચો: Video: લંડનમાં પાકિસ્તાની અધિકારીએ જાહેરમાં કરી આવી ઘૃણાસ્પદ હરકત, ભારતીયો રોષે ભરાયા
8 દિવસમાં બીજી કાર્યવાહી:
8 દિવસમાં આ બીજા પાકિસ્તાની રાજદ્વારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ 13મેના રોજ કેન્દ્ર સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના એક પાકિસ્તાની અધિકારીને તેમના રાજદ્વારી દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓ માટે ‘પર્સોના નોન ગ્રેટા’ જાહેર કર્યા હતાં.
એ સમયે પણ વિદેશ મંત્રાલયે ચોક્કસ આરોપો જાહેર કર્યા ન હતાં, પરંતુ એવું જાણવા મળ્યું છે કે તે પંજાબ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા જાસૂસીના કેસ સાથે સંબંધિત છે.
11 મેના રોજ, પંજાબ પોલીસે જણાવ્યું હતું કે તેણે દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત એક પાકિસ્તાની અધિકારી સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે.
આપણ વાંચો: પાકિસ્તાની હુમલામાં જમ્મુ-કાશ્મીરના અધિકારી સહિત 5નાં મૃત્યુ, સરહદ પર તણાવ યથાવત
પાકિસ્તાને પણ કરી સમાન કાર્યવાહી:
પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યા હતાં. પાકિસ્તાનની સરકારે ભારતીય અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું, “પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદના ભારતીય હાઈ કમિશનના એક સ્ટાફ સભ્યને તેમના વિશેષાધિકાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે.”