ભારત-ચીન વચ્ચે 5 વર્ષ પછી ફરી શરૂ થશે સીધી ફ્લાઈટ, જાણો ક્યારે અને ક્યાંથી?

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં SCO બેઠકમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ બાદ ડોકલામ વિવાદ તથા કોરોનાકાળ વખતે ભારત અને ચીન વચ્ચે બગડેલા સંબંધોમાં સુધાર આવ્યો છે. જેના પરિણામે ભારત અને ચીન વચ્ચે છેલ્લા 5 વર્ષથી બંધ કરવામાં આવેલી વિમાન સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચેની ફ્લાઈટ ક્યારે અને ક્યાંથી શરૂ થશે એ અંગે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા માહિતી આપવામાં આવી છે.
રાજકોટવાસીઓને પણ થશે ફાયદો
ઈન્ડિગો આ ફ્લાઈટ રાજકોટથી શરૂ કરવાનું છે. રાજકોટથી શરૂ થનારી ફ્લાઈટ કોલકાતા થઈને ચીન જશે. આ ફ્લાઈટ રાજકોટથી કોલકાતા માટે અઠવાડિયામાં 4 દિવસ શરૂ કરાશે. રાજકોટથી કોલકાતા સુધીનો પ્રવાસ ડોમેસ્ટિક ફ્લાઈટ તરીકે ગણાશે. ત્યારબાદ કોલકાતામાં કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને મુસાફરો આ જ ફ્લાઈટમાં આગળ ચીન માટે મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો: કેરળથી અબુધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, અધવચ્ચેથી પરત બોલાવી
ઈન્ડિગો એરલાઈન્સ શરૂ કરશે ફ્લાઈટ
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને જણાવવામાં આવ્યું કે, “કોલકાતાથી ગ્વાંગઝુ(CAN) વચ્ચેની નોન-સ્ટોપ ફ્લાઈટ 26 ઓક્ટોબર 2025થી શરૂ થશે. આ ફ્લાઈટ માટે Airbus A320neo વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. ઈન્ડિગોએ દિલ્હી અને ગ્વાંગઝુ વચ્ચેની ફ્લાઈટ પણ જલદી શરૂ કરાશે એવું પણ જણાવ્યું છે. આમ, આ નિર્ણયથી બંને દેશો વચ્ચે વેપાર, વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રવાસનની નવી તકોને ફરીથી વેગ મળશે.
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસ ઉપરાંત ગત મહિને ચીનના વિદેશ પ્રધાને પણ નવી દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. તેમની આ મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ સેવા ફરીથી શરૂ કરવાનો માર્ગ પ્રશસ્ત થયો હતો.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરતા ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ના અંતમાં દેપસાંગ અને ડેમચોકમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પરથી ચીનના સૈનિકો પાછા ફર્યા હતા. જેથી ભારત અને ચીન વચ્ચેના સંબંધમાં સુધાર આવવાની શરૂઆત થઈ હતી.



