નેશનલ

India-Canada Row: ગુનેગારો અને આતંકવાદીઓને ડિબેટ માટે ન બોલાવવા ટીવી ચેનલોને સરકારની સલાહ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે ઉભો થયેલો વિવાદ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. આ વિવાદ અંગે ટીવી ચેનલો પર વિવિધ ડીબેટ જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો માટે કડક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે ચેનલો માટે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે તેઓ તેમના કાર્યક્રમોમાં દેશના વિરોધી તત્વોને આમંત્રિત ન કરે. સરકારે એ પણ કહ્યું કે જે લોકો સામે આતંકવાદ સહિતના ગંભીર ગુનાઓના આરોપ છે અથવા પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા છે તેમને પ્લેટફોર્મ આપવાનું ટાળવું જોઈએ.

સૂચના અને પ્રસારણ મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં એક વ્યક્તિને ટીવી પર એવા વ્યક્તિને ચર્ચા માટે બોલાવવામાં આવ્યો હતો જેના પર આતંકવાદ અને અન્ય ગંભીર ગુનાઓનો આરોપ છે. તે એવા સંગઠન સાથે સંબંધ ધરાવે છે જેના પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેણે દેશની સંપ્રભુતા, અખંડિતતા, સુરક્ષા અને મિત્ર રાષ્ટ્રો વિરુદ્ધ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી સ્થિતિ વધુ ખરાબ થવાનો ભય છે.

મંત્રાલયની એડવાઈઝરી જણાવવામાં આવ્યું છે કે સરકાર મીડિયાની સ્વતંત્રતા અને બંધારણ હેઠળના તેના અધિકારોનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ટીવી ચેનલો પર પ્રસારિત થતી સામગ્રી CTN એક્ટ (ધ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ, રેગ્યુલેશન એક્ટ) 1995ની શરતો અનુસાર હોવી જોઈએ.

આતંકવાદના આરોપી વ્યક્તિને ટીવી પર સ્થાન આપ્યું હોય એવી કોઈ ચેનલના નામનો ઉલ્લેખ મંત્રાલયની એડવાઈઝરીમાં કરવામાં આવ્યો નથી.

જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ખાલિસ્તાની આતંકવાદીઓને સંરક્ષણ આપવામાં આવે છે. જેઓ ભારતના પંજાબ પ્રાંતને અસ્થિર કરવા માટે વિશ્વભરમાં કાવતરું ઘડી રહ્યા છે. બંને દેશોએ સામાપક્ષના ટોચના રાજદ્વારીઓને પોતાના દેશમાંથી ચાલ્યા જવા સુચના આપી છે. ભારતે કેનેડાના વિઝા પર પણ કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન, ટીવી ચેનલો પર આ મુદ્દા પરની ચર્ચામાં ઘણા એવા લોકોને બોલાવવામાં આવી રહ્યા છે જેઓ પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોના સમર્થક છે. આવી સ્થિતિમાં, સૂચના અને પ્રસારણ મંત્રાલયની આવી એડવાઇઝરી મહત્વપૂર્ણ છે.

ખાલિસ્તાન સમર્થકો પર કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના 10 શકમંદોની તસવીરો જાહેર કરી છે. તેમજ આરોપીઓને લગતી કોઈપણ માહિતી તપાસ એજન્સીને આપવા માટે અપીલ કરવામાં આવી છે. હુમલા પાછળ ખાલિસ્તાન સમર્થકોનો હાથ હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button