ઇન્ટરનેશનલનેશનલ

શ્રી લંકાના રાહત મિશનમાં “અવરોધ” બન્યાના પાકિસ્તાનના દાવાને ભારતે હાસ્યાસ્પદ ગણાવ્યો

જાણો ભારતના વિદેશ મંત્રાલયે શું કરી સ્પષ્ટતા?

નવી દિલ્હી: ‘દિત્વાહ’ ચક્રવાતને કારણે શ્રીલંકા હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 410 લોકોના મોત અને 336 ગુમ થવાની પુષ્ટિ થઈ છે. ઘણા વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. આ કટોકટી વચ્ચે, ભારતે શ્રીલંકાની મદદ માટે “ઓપરેશન સાગર બંધુ” શરૂ કર્યું છે, તો બીજી તરફ પાકિસ્તાને પણ શ્રીલંકાને મદદ મોકલવાનું નક્કી કર્યું હતું. પરંતુ આવા સમયે પાકિસ્તાને શ્રીલંકાને મદદ મોકલવામાં ભારતે અવરોધ ઊભો કર્યો હોવાનો દાવો કર્યો છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો છે.

ભારતે આપી પાકિસ્તાની ફ્લાઈટને મંજૂરી

‘દિત્વાહ’ ચક્રવાતથી ગ્રસ્ત શ્રીલંકાને રાહત સામગ્રી મોકલવા માટે પાકિસ્તાને કરેલી વિનંતી અને તેને પગલે ભારતે એરસ્પેસની પરવાનગી આપવાને લઈને બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે, ભારત જાણી જોઈને તેની માનવતાવાદી સહાય ફ્લાઇટ્સને અવરોધિત કરી રહ્યું છે, જેના કારણે શ્રીલંકાને રાહત પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં ચક્રવાત ‘દિત્વા’એ વેર્યો વિનાશઃ એનડીઆરએફની ટીમ બની ‘રક્ષક’, જયશંકરે શેર કર્યો વીડિયો

જોકે, ભારતે તાત્કાલિક પાકિસ્તાનના આ આરોપોને સખત રીતે ફગાવી દીધા છે. ભારતે સ્પષ્ટતા કરી છે કે તેણે માનવતાના ધોરણે માત્ર ચાર કલાકમાં પાકિસ્તાનની વિનંતીને મંજૂરી આપી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનને “હાસ્યાસ્પદ” અને ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

ભારતે લીધો સૌથી ઝડપી નિર્ણય

રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની ઔપચારિક વિનંતી ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્તને 1 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 13:00 વાગ્યે મળી હતી. ભારતે તેને માનવતાવાદી કટોકટી તરીકે ઓળખીને તે જ દિવસે બપોરે 17:30 વાગ્યે મંજૂરી આપી દીધી હતી. આમ, પાકિસ્તાનને માત્ર ચાર કલાકમાં મંજૂરી આપવામાં આવી હતી. જે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરીને અત્યાર સુધી લેવાયેલો સૌથી ઝડપી નિર્ણય છે.

બીજી તરફ, પાકિસ્તાને આજે ફરી દાવો કર્યો હતો કે, ભારતની “અસહકાર નીતિ” તેના રાહત કાર્યમાં અવરોધ ઊભો કરી રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે, ભારતે 60 કલાકથી વધુ સમય માટે ફ્લાઇટને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદની “આંશિક પરવાનગી” કાર્યકારી રીતે નકામી હતી. આ દાવાઓ અંગે પ્રતિક્રિયા આપતા, ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાની મીડિયામાં ફેલાતા અહેવાલો કે ભારતે હવાઈ ક્ષેત્રની પરવાનગી નકારી છે, તે સંપૂર્ણપણે ખોટા છે અને તે ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. ભારતની નીતિ માનવતાવાદી સહાયને પ્રાથમિકતા આપવાની છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button