શિક્ષક ભરતીના પેપરમાં પુછાયું INDIA એલાયન્સનું ફૂલફોર્મ, ભાજપે કહ્યું ‘ઠગોની જમાત’
બિહાર: બિહાર લોક સેવા આયોગ એટલે કે BPSCની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કુલ 150 સવાલો પુછાયા હતા, જેમાંથી 58મા સવાલમાં પૂછ્યું હતું કે હાલમાં જ બનેલા વિપક્ષના ગઠબંધન INDIA એલાયન્સનું આખું નામ શું છે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ આપે તે પહેલા જ ભાજપે આપી દીધો હતો. ભાજપે કહ્યું હતું કે તેનો અર્થ ‘ઠગોની જમાત’ એવો થાય છે.
BPSCની શિક્ષક ભરતીના પેપરમાં પુછાયેલા સવાલ મુદ્દે બિહારમાં હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રવક્તા અરવિંદ સિંહે આ તકનો લાભ લઇને મુખ્યપ્રધાન નીતિશકુમાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે વિપક્ષનું ગઠબંધન એ ઠગોની જમાત છે.
બિહારમાં માધ્યમિક શાળાઓ માટે એક લાખ 20 હજાર પદો પર હાલ ભરતી ચાલી રહી છે. પરીક્ષા 7 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવી હતી જેમાં 8 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 15 ડિસેમ્બરે બીજા તબક્કાની ભરતી માટે પરીક્ષા લેવાઇ રહી હતી જેમાં INDIA ગઠબંધનના સંપૂર્ણ નામ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયામાટે જ્યારે એક મીડિયા સંસ્થાએ સંપર્ક કર્યો ત્યારે કોંગ્રેસ પ્રવક્તા અસિતનાથ તિવારીએ જણાવ્યું હતું કે આવા પેપર BPSC જાતે તૈયાર કરે છે, આમાં રાજ્ય સરકાર અથવા અન્ય રાજકીય પક્ષોની કોઇ ભૂમિકા હોતી નથી. કદાચ સામાન્ય જ્ઞાનના સંદર્ભમાં જ આ સવાલ પૂછવામાં આવ્યો હશે, જો કે લોક સેવા આયોગે આ પ્રકારના સવાલો પૂછવાનું ટાળવું જોઇએ તેમ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતુ.