ભારત અમારા માટે સંકટ સમયની સાંકળઃ પૂર્વ સંરક્ષણ પ્રધાન માલદીવની સરકાર પર ભડ્ક્યાં
માલેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના ફોટા શેર કર્યા અને તેના પર જે માલદીવના કેટલાક પ્રધાનોએ ટિપ્પણી કરી અને તેના કારણે જે વિવાદ સર્જાયો હતો તેમાં હજુ પણ કંઈને કંઈ વધારો થયા કરે છે. ત્યારે માલદીવના પૂર્વ રક્ષા પ્રધાન મારિયા અહેમદ દીદીએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું. વાસ્તવમાં ભારત અમારા માટે સંકટ સમયની સાંકળ છે. હાલના વહીવટીતંત્રની આ ટૂંકી દૃષ્ટિ છે. આપણે એક નાનો દેશ છીએ. અને અમારા દેશની મોટા ભાગની સરહદો ભારત સાથે જોડાયેલી છે. ભારતે હંમેશા અમારી મદદ કરી છે.
તેમ જ અમારી ક્ષમતા વધારવામાં અમને સાધનો પૂરા પાડ્યા છે. મારિયાએ એમ પણ કહ્યું હતું કે ભારત માલદીવ માટે ‘911 કોલ’ જેવું રહ્યું છે જેને માલદીવ કોઈ પણ મુશ્કેલીમાં ડાયલ કરે છે. ભારત એક ભરોસાપાત્ર સાથી છે તેને હંમેશાં અમને વધુ સક્ષમ બનાવ્યા છે. આ ઉપરાંત ભારતે સંરક્ષણ ક્ષેત્રે પણ મદદ કરી છે. અમે લોકશાહી અને માનવાધિકારોમાં સમાન વિચારસરણી ધરાવીએ છીએ અને ભારત સાથે અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના સાંસદની પોસ્ટના વિવાદ પર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદીએ કહ્યું હતું કે ભારત અમારા માટે 911 જેવું છે કે જે હાલમાં માલદીવનો ઇમરજન્સી નંબર છે. જ્યારે પણ આપણે ફોન કરીએ છીએ ત્યારે ભારતના લોકો માલદીવના પડખે ઊભા હોય છે. ભારત એ આપણો એવો મિત્ર દેશ છે જે આપણને મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરવા આવે છે.
માલદીવના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદીએ જણાવ્યું હતું કે માલદીવમાં પહેલા ક્યારેય ભારતીય સૈનિકો નહોતા. પરંતુ સંરક્ષણ સહયોગના ભાગ રૂપે ભારતે અમારા લોકોને ટાપુઓથી માલે લાવવા માટે સંપૂર્ણ માનવતાવાદી ધોરણે અમને તકનીકી સહાયની ઓફર કરી હતી. માલદીવને ભારતે અત્યાર સુધીમાં ઘણી સાધનસામગ્રી આપી છે. અને ભારત હંમેશા અમારી મદદે આવ્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે માલદીવ ભારતનું મુખ્ય સાથી રહ્યું છે અને દાયકાઓથી એવી પરંપરા રહી છે કે નવા રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ મુલાકાત ભારતની હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને બદલે તુર્કી, યુએઈ અને પછી ચીન જવાનું પસંદ કર્યું છે. પૂર્વ રક્ષા પ્રધાન મારિયા અહેમદે પીએમ મોદી પર ચીન તરફી ગણાતા મુઈઝુ સરકારના પ્રધાનોની ટિપ્પણી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે માલદીવની નીતિ ભારત ફર્સ્ટ રહી છે. કારણકે ભારતે કોવિડ જેવી કટોકટીમાં પણ માલદીવનો સાથ આપ્યો હતો.