છેલ્લા 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા, 3 લોકોના થયા મોત
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસે ફરી ભરડો લેવાનું શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાઇરસના 600થી વધુ કેસ સામે આવ્યા છે. મોટી વાત એ છે કે કોરોના વાઇરસથી સંક્રમણને પગલે 3 લોકોના મોત પણ થયા છે. હાલમાં દેશભરમાં કોરોનાથી પીડિત કુલ 4394 દર્દીઓ છે.
કોરોના વાઇરસને કારણે છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 2 મોત કેરળમાં તો 1 મોત તમિલનાડુમાં નોંધાયું છે. આ સાથે જ દેશમાં કોરોનાને પગલે જીવ ગુમાવનારા 5,33,364 લોકો થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 548 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
રવિવારના દિવસે દેશમાં કોરોનાના કુલ 841 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલી માહિતી અનુસાર આ કેસ વીતેલા 227 દિવસોમાં સૌથી વધુ છે. દરમિયાન કેરળ, કર્ણાટક અને બિહારમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આ પહેલા 19 મેના રોજ આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા.
અનેક રાજ્યોએ કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારાની પુષ્ટિ કરી છે. 9 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના વાઇરસના નવા સબ વેરીઅન્ટ JN.1ના કેસ નોંધાયા હોવાની વિગતો આપી હતી. વર્ષ 2020માં કોરોનાની લહેર આવી ત્યારથી અત્યાર સુધીમાં કુલ સાડા ચાર કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે.