સંદેશખાલીમાં મહિલાએ બળાત્કારની ખોટી ફરિયાદનો લગાવ્યો આરોપ, કહીં આ વાત
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીને લઈને ત્યાંની એક સ્થાનિક મહિલાએ મોટો દાવો કર્યો છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની પાસેથી એક બળજબરીપુર્વક સહી કરાવી દેવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો કે તેના આ જ હસ્તાક્ષરના આધાર પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે રાષ્ટ્રિય મહિલા પંચની ટીમે જે દિવસે સંદેશખાલીની મુલાકાત લીધા તે જ દરમિયાન પિયાલી નામની એક મહિલા અમને ફરિયાદ કરવા માટે બોલાવી હતી. મહિલાએ કહ્યું કે મે તેમને જણાવ્યું કે અમને 100 દિવસની નોકરી યોજના હેઠળ પૈસા મળ્યા નથી.
મારે માત્ર તેજ પૈસા જોઈતા હતા અને મે બીજી કોઈ ફરિયાદ કરાવી નથી. મારા પર કોઈ જ બળાત્કાર થયો નથી. પિયાલીએ મારી પાસે એક કોરા કાગળ પર સહીં કરાવી દીધી હતી. ત્યાર બાદ મને તે જાણવા મળ્યું કે મારુ નામ તે મહિલાઓની યાદીમાં સામેલ છે, જેમણે ટીએમસીના નેતાઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
આપણ વાંચો: સંદેશખાલી બનાવ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું: ટીએમસી
આ મહિલાએ પિયાલી પર સંદેશખાલી પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું કે તે એક બહારની વ્યક્તિ છે. તે બીજે ક્યાકથી આવી છે, અને મોટી-મોટી વાતો કરે છે, અમને નથી ખબર કે તેની પાસે અહીંના તમામ લોકો અંગેની માહિતી ક્યાથી આવી. શરૂઆતમાં તે માત્ર વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી હતી.
આ મહિલાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપે અમને જુઠ્ઠું બોલવા માટે પ્રેરિત કરી હતી, તેથી તેના પર કાનુની કાર્યવાહી થવી જોઈએ. મહિલા અને તેના પરિવારજનોએ જણાવ્યું કે પિયાલી વિરૂધ્ધ બોલવાના કારણે હવે તેમને ધમકીઓ મળી રહી છે.
હવે આ સમગ્ર મામલે ટીએમસીએ ભાજપને નિશાન બનાવી પ્રહારો કર્યા છે, તો સામે ભાજપે પણ તેને ડેમેજ કન્ટ્રોલ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના જણાવ્યા પ્રમાણે ટીએમસી ડેમેજ કન્ટ્રોલ કરવામાં પણ ઘણું મોડું કરી દીધું છે. ભાજપના પ્રવક્તા પ્રિયંકા ટિબરેવાલે કહ્યું કે ટીએમસીએ સમજવું જોઈએ કે હવે સમય વીતી ગયો છે. તે બે-ત્રણ મહિના સુધી ચુપ કેમ રહી?