જયપુરઃ રાજસ્થાનમાં વિધાન સભાની ચૂંટણીનું મતદાન પૂરું થઇ ગયું છએ અને હવે સહુની નજર પરિણામ પર છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે આવા અનેક પગલા લીધા છે જેને લઈને રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 25 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન પૂરું થયું હતું. . ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો હવે પરિણામની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જો કે, બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પહેલાથી જ સીએમ પદ માટે પોતાનો દાવો મજબૂત કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વસુંધરા રાજેએ બાંસવાડાના ત્રિપુરા સુંદરી મંદિરમાં લગભગ એક કલાક સુધી રાજયોગ માટે પ્રાર્થના કરી હતી. બે પંડિતો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી અને દેવીને શણગારવામાં આવ્યા હતા. વસુંધરાએ બાંસવાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધન સિંહ રાવત, કૈલાશ મીના, માનશંકર નિનામા, ભીમા ડામોર માટે મંદિરમાં આરતી કરી અને માતાજીને નૈવેધ ધરાવી બધાને આશીર્વાદ આપ્યા હતા.
વસુંધરા રાજે દેવ દર્શનના નામે બીજી વખત યાત્રા પર નીકળ્યા છે. આ દરમિયાન તેમણે પોતાના તમામ વિધાન સભ્યોને મળવાનું શરૂ કરી દીધું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પરિણામો પહેલા જ વસુંધરા પોતાના વિધાન સભ્ય જૂથને મજબૂત કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ વસુંધરાના સમર્થકો તેમને ભાવિ સીએમ કહી રહ્યા છે.
એવું પણ જાણવા મળ્યું છે કે રાજસ્થાનના લોકોને સીએમ તરીકે વસુંધરા રાજે પસંદ છે. તાજેતરમાં કરવામાં આવેલા એક ઓપિનિયન પોલમાં આ જાણવા મળ્યું હતું. ઓપિનિયન પોલમાં લોકોને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાનપદ માટે તેમની પ્રથમ પસંદગી કોણ છે? 33 ટકા લોકોએ અશોક ગેહલોતને સીએમ તરીકે પોતાની પહેલી પસંદ જાહેર કર્યા છે. 27 ટકા લોકોએ વસુંધરા રાજેને તેમની પસંદગી ગણાવી હતી. પોલમાં 12 ટકા લોકોને સચિન પાયલટ, 10 ટકા લોકોને ગજેન્દ્ર સિંહ શેખાવત, 8 ટકા લોકોએ રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને 3 ટકા લોકોએ દિયા કુમારીને સીએમ પદ માટે પસંદ કર્યા છે.