દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી | મુંબઈ સમાચાર
નેશનલ

દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી

નોઇડા: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. દહેજ માટે પતિ અને સાસરિયાઓએ મળીને 28 વર્ષીય મહિલાની હેવાનિયત પૂર્વક હત્યા કરી નાખી. મહિલાને તેના દીકરા અને તેની બહેનની સામે જીવતી સળગાવી દીધી. મહિલાના પતીની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલ મુજબ મૃતકની ઓળખ નિક્કી તરીકે થઈ છે, સાસરીયાઓ તેની પાસેથી ₹35 લાખના દહેજની માંગણી કરી રહ્યા હતાં. નિક્કીએ વર્ષ 2016માં વિપિન સાથે લગ્ન કર્યા ત્યાર બાદથી દહેજ માટે તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. ગત ગુરુવારે સાસરિયાઓએ મળીને નિક્કીને માર માર્યો, ત્યાર બાદ તેના પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું અને લાઈટર વડે આગ લગાવી દીધી.

અવાજો સાંભળીને પડોશીઓ એકઠા થઇ ગયા અને ગંભીર રીતે ઘાયલ નિક્કીને હોસ્પિટલ લઈ ગયા, હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જહેર કરી. હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે, મહિલાએ આપવીતી જણાવી હતી. આ ઘટના સમયે નિક્કીનો દીકરો ત્યાં હાજર હતો, તેને સમગ્ર ઘટના પોલીસને જણાવી છે.

બહેને માર માર્યો:

નિક્કીની મોટી બહેન કંચનના લગ્ન વિપિનના મોટા ભાઈ સાથે થયા હતા. અહેવાલ મુજબ બંને બહેનોને ત્રાસ આપવામાં આવતો હતો. 21 ઓગસ્ટના રોજ કંચન સાથે પણ મારપીટ થઇ હતી. નિક્કીને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે કંચને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ કંચનને પણ માર મારવામાં આવ્યો, જેને કારણે તે બેભાન થઇ ગઈ. કંચન ભાનમાં આવી ત્યારે તેને જાણ થઇ કે પડોશીઓ નિક્કીને હોસ્પિટલ લઇ ગયા છે અને તેનું મોત નીપજ્યું છે.

પતિની ધરપકડ:

નિક્કીની બહેન કંચની ફરિયાદને આધારે પોલીસે FIR દાખલ કરી છે. ફરિયાદ મુજબ સાસરીયાઓ 35 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા, તેઓ વારંવાર બંને બહેનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. નિક્કીના પતિ વિપિન ભાટીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નિક્કીના સસરા સત્યવીર ભાટી, સાસુ દયા અને જેઠ રોહિત ભાટી ફરાર છે.

વિપિને નિર્દોષ ડોળ કર્યો:

ઘટના બાદ વિપિને પતે નિર્દોષ ડોળ કર્યો હતો, તેને સોશિયલ મીડિયા પર નિક્કી સાથેનો ફોટો શેર કરી ઇમોશનલ પોસ્ટ લખી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે લખ્યું, “તું મને છોડીને કેમ જતી રહી? તે આવું કેમ કર્યું? દુનિયા મને હત્યારો કહી રહી છે, નિક્કી. તાર ગયા પછી મારી સાથે ઘણું ખોટું થઈ રહ્યું છે.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button