નેશનલ

હરિયાણામાં 3 અપક્ષોએ ટેકો પાછો ખેંચતા ભાજપના નાયબ સિંહ સૈનીની સરકાર લઘુમતીમાં આવી

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે, હરિયાણામાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ સરકારને ટેકો આપી રહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ આજે મંગળવારે જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્રણ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે પણ કહ્યું કે તેઓએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

ત્રણેય ધારાસભ્યોએ રોહતકમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. અપક્ષ ધારાસભ્ય ગોંદરે જણાવ્યું કે “અમે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ, અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.”

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાને કહ્યું, “ત્રણ અપક્ષ ધારાસભ્યો – સોમબીર સાંગવાન, રણધીર સિંહ ગોલેન અને ધરમપાલ ગોંદરે ભાજપ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે.

હું એ પણ કહેવા માંગુ છું કે (90 સભ્યોની) હરિયાણા વિધાનસભાની વર્તમાન સંખ્યા 88 છે, જેમાંથી ભાજપ પાસે 40 સભ્યો છે, અગાઉ ભાજપ સરકારને જેજેપીના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ પણ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને હવે અપક્ષોએ પણ તેમનું સમર્થન પાછું ખેંચી લીધું છે.”

ઉદય ભાને કહ્યું, “નાયબ સિંહ સૈની સરકાર હવે લઘુમતી સરકાર છે. સૈનીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે તેમને એક મિનિટ પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી. હવે તરત જ વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ.”

ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપ અને જેજેપી ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં ભાજપને 41 અને જેજેજીને 10 બેઠકો મળી હતી. બંનેએ ચાર વર્ષથી વધુ સમય સુધી સાથે મળીને સરકાર ચલાવી હતી. લોકસભા ચૂંટણી પહેલા સીટોને લઈને નારાજ જેજેજીએ બીજેપી છોડી દીધી.

ભાજપે જુગાર રમતા મનોહર લાલ ખટ્ટરને હરિયાણાના મુખ્યમંત્રી પદેથી હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. સૈનીએ પણ 6 અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button