કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો

નવી દિલ્હીઃ કર્ણાટકના ઉપમુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ નેતા વિરુદ્ધ 2018ના મની લોન્ડરિંગ કેસને ફગાવી દીધો છે. આ કેસના સંબંધમાં સપ્ટેમ્બર 2019 માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓ દ્વારા કોંગ્રેસ નેતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ત્યારે શિવકુમારે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને તેના પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
આ કેસમાં આવકવેરા વિભાગે કોંગ્રેસના નેતા અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા વ્યક્તિના પરિસરમાં દરોડા પાડ્યા બાદ ઈડીએ આવી છે. ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે આ દરોડામાં લગભગ 300 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જે બાદ EDએ મની લોન્ડરિંગની કલમો હેઠળ તપાસ શરૂ કરી હતી. જોકે, શિવકુમારે વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે આ રોકડ ભાજપ સાથે સંબંધિત છે.
શિવકુમારે 2019માં કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ED દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરી હતી. ત્યાં પણ તેમને કોઈ રાહત ન મળતાં તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમે તેમને રાહત આપી છે.