આંધ્રમાં ભાઈ-બહેન આમને સામને, કોંગ્રેસે YS શર્મિલાને સોંપી કમાન

પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ આંધ્ર પ્રદેશની કમાન YS શર્મિલા (Y. S. Sharmila) ને સોંપી શકે છે. અને અંતે YS શર્મિલાને કોંગ્રેસે આંધ્ર પ્રદેશની કમાન સોંપી. YS શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (Chief Minister of Andhra Pradesh Y. S. Jagan Mohan Reddy) ની બહેન છે.
આ વર્ષે લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેને જોતા પ્રદેશ કોંગ્રેસમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોના ક્રમમાં, ગિડુગુ રુદ્ર રાજુએ આંધ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (APCC) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.
YS શર્મિલાએ 2012માં તેમના ભાઈ જગન મોહન રેડ્ડીને તેમની પાર્ટી YSRCP શરૂ કરવામાં મદદ કરી હતી. જગને કોંગ્રેસ છોડીને આ પાર્ટી બનાવી હતી, પરંતુ પછી ભ્રષ્ટાચારના આરોપમાં જગન મોહન જેલમાં ગયા અને શર્મિલાએ પાર્ટીને પાછળથી જોડી રાખી. પછી YSRCP ચૂંટણી જીતી અને જગન સીએમ બન્યા, પરંતુ બહેન શર્મિલા અને ભાઈ જગન વચ્ચે મતભેદો શરૂ થયા. પરિણામે, શર્મિલાએ એક નવો પક્ષ બનાવ્યો અને તાજેતરમાં કોંગ્રેસમાં ભળી ગયા.
જો કે પહેલાથી જ એવું માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ આંધ્ર પ્રદેશની કમાન વાયએસ શર્મિલાને સોંપી શકે છે. આંધ્ર પ્રદેશના તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રૂદ્ર રાજુએ 15 જાન્યુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું હાઈકમાન્ડના કહેવા પર થયું છે, કારણ કે પાર્ટીએ YS શર્મિલાના રાજ્યાભિષેકની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખી દીધી હતી. વાયએસ શર્મિલાએ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા.
વાયએસ શર્મિલાએ કહ્યું હતું કે જો હું ઉમેદવાર ઊભો રાખું તો મતોનું વિભાજન થશે અને તેનાથી નુકસાન થઈ શકે છે. શર્મિલાની પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપ્યું અને પછી પાર્ટીનું કોંગ્રેસમાં વિલય પણ થઈ ગયું.