ISRO Chief S Somnathને લઈને આવી મહત્વની માહિતી, આ ગંભીર બીમારીથી પિડાઈ રહ્યા છે…

Indian Space Research Organisation (ISRO) Chief S Somnathને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. ઈસરોના ચીફ એસ. સોમનાથને કેન્સર થયું છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. સોલાર મિશન આદિત્ય એલ-1ના લૉન્ચિંગના દિવસે રૂટિન ચેકઅપ દરમિયાન તેમને આ ગંભીર બીમારી વિશે જાણ થઈ હતી.
એસ. સોમનાથે ખુદ એક ઈન્ટરવ્યુમાં આ બાબતે વાર કરતાં જણાવ્યું હતું કે, સ્કેનિંગમાં મને કેન્સર અંગેની જાણ થઈ હતી. જોકે Mission Chandrayaan-3 વખતે પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી રહી હતી, પણ ત્યારે કેન્સર થયું હોવાની કોઈ માહિતી સામે નહોતી આવી.
તેમણે પોતાની આ સફર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મિશન આદિત્યના દિવસે જ મને આ બીમારીની જાણ થઈ હતી. આ માહિતીને કારણે મારા પરિવારજનો અને મિત્રો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. ત્યાં સુધી કે ઈસરોમાં મારી સાથે કામ કરનારા મારા સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારને કારણે વ્યથિત થઈ ગયા હતા.
પરંતુ તેમ છતાં આ સ્ટ્રેસફૂલ અને પડકારજનક માહોલમાં એસ સોમનાથને તેમના પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોએ તેમને સંભાળ્યા હતા, તેમને સપોર્ટ આપ્યો હતો.
મિશનના લૉન્ચિંગ બાદ એસ સોમનાથ વધુ સારવાર માટે ચેન્નઈ ગયા હતા અને ત્યાં તેમને એવું જાણવા મળ્યું કે આ બીમારી તેમને જેનેટિકલી કારણોસર થઈ છે. તેમને પેટનું કેન્સર છે. ત્યાર બાદ સોમનાથ પર સર્જરી કરવામાં આવી હતી અને તેમને કેમોથેરેપી આપવામાં આવી હતી.
એસ.સોમનાથે કેન્સર સામેની પોતાની જંગ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારો આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સારવાર થઈ ગયા બાદ હું સંપૂર્ણપણે ફિટ છું. હાલમાં તો મેડિકેશન ચાલી રહ્યું છે પણ આ આખા મુશ્કેલભર્યા સમયમાં પરિવારે સાથ આપ્યો છે. મને ખબર છે કે હજી સારવારમાં ઘણો સમય લાગશે અને આ એક આખી લાંબી પ્રક્રિયા છે. પણ હું આ જંગ લડીશ.
હું માત્ર ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો અને પાંચમા દિવસથી ઈસરોમાં કામ કરવા લાગ્યો હતો. હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેન કરાવી રહ્યો છું અને હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છું, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.