“સરદાર પટેલનો આદર કરો છો તો તેમના રસ્તે ચાલો”: મલ્લિકાર્જુન ખડગેએ PM અને HMને કેમ આપી આ સલાહ?

નવી દિલ્હી: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. સાથોસાથ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલના રસ્તે ચાલવાની સલાહ આપી હતી. આવો જાણીએ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું છે.
કૉંગ્રેસે સરદાર પટેલને નજરઅંદાજ નથી કર્યા
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું, તેના માટે આભાર. પરંતુ સરદાર સરોવરનો પાયો કોણે નાખ્યો, એ પણ યાદ રાખવું જોઈએ. 5 એપ્રિલ 1961ના રોજ અમે તેની શરૂઆત કરી હતી. લાખો એકર જમીનને પાણી મળ્યું, લોકોનું જીવન સુધર્યું. દેશ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો. વડા પ્રધાન આવ-જા કરે છે. નેતા આવે-જા કરે છે. પરંતુ દેશ સૌના પ્રયાસોથી ચાલે છે.”
મલ્લિકાર્જુન ખડગેએ આગળ જણાવ્યું કે, “મોદી સાહેબની ટેવ છે, મેં કર્યું. મે બનાવ્યું. બરાબર છે. તમે નોટબંધી કરી, જૂઠ્ઠુ બોલ્યા કે બે કરોડ નોકરીઓ આપશું. પરંતુ જે નથી કર્યું, એનો શ્રેય કેમ લો છો?”
પટેલ ઇચ્છતા હતા કે આખું કાશ્મીર ભારતની સાથે રહે, પરંતુ નહેરુએ તેના ભાગ પાડી દીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કૉંગ્રેસ પર પટેલને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવે છે. આ આરોપનો જવાબ આપતા ખડગેએ જણાવ્યું કે, “ગુજરાતના બે નેતા હંમેશા કહે છે કે, કૉંગ્રેસે સરદાર પટેલને નજરઅંદાજ કર્યા, પરંતુ અમે તેઓના અને નહેરૂજીના સંબંધોનો સંપૂર્ણ ઇતિહાસ વાંચ્યો છે. બંને એકબીજાનું સન્માન કરતા હતા.”
સરદાર પટેલના રસ્તા પર ચાલવું જોઈએ
મલ્લિકાર્જુન ખડગેએ સલાહ આપતામાં જણાવ્યું કે, “જો વડા પ્રધાન અને ગૃહ પ્રધાન પટેલનો આદર કરે છે, તો તેમણે પણ એમના જ રસ્તે ચાલવું જોઈએ. દેશમાં જે ગરબડ અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થઈ રહી છે, તે બીજેપી અને આરએસએસના કારણે છે. તેથી હું ખુલીને કહું છું કે, આરએસએસ પર ફરીથી પ્રતિબંધ લાદવો જોઈએ.”
વધુમાં ખડગેએ જણાવ્યું કે, સરદાર પટેલે દેશમાં એકતા અને શાંતિ માટે સંઘર્ષ કર્યો. જો આજે કોઈ આ એકતાને તોડવાનો પ્રયાસ કરે છે, તો તેને સજા થવી જોઈએ. દેશમાં એકતા લાવવાનું તેમનું સપનું હતું.
આપણ વાંચો: મોહમ્મદ અઝહરુદ્દીન તેલંગાણા કેબિનેટમાં પ્રધાન બન્યા; ભાજપે કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા
 
 
 
 


