ટેનિસ પ્લેયર દીકરી માટે 1.5 કરોડના ખચે એકેડેમી બનાવી તો પછી હત્યા શા માટે કરી?

ગુરુગ્રામ: એક દીકરીની હત્યા કરતા પિતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? આ સવાલ સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવના પિતાને પૂછવા જેવો છે. કારણ કે કદાચ તેઓ તેનો સારી રીતે જવાબ આપી શકશે. જોકે, રાધિકા યાદવની હત્યાને લઈને પોલીસ કેટલાક પ્રશ્નોના જવાબ શોધી રહી છે. જેનાથી તેની હત્યાનું કારણ વિસ્તૃત રીતે સામે આવી શકે છે.
દોઢ કરોડના ખર્ચે પિતાએ બનાવી ટેનિક એકેડમી
રાધિકા એક સ્ટેટ ટેનિસ પ્લેયર હતી. પિતા દીપક યાદવે તેને 1.5 કરોડ રૂપિયાના ખર્ચે એક ટેનિક એકેડમી પણ બનાવી આપી હતી. પરંતુ ખભો ઈજાગ્રસ્ત થવાના કારણે તે હવે ટેનિક રમી શકતી ન હતી. ગીતોની સાથે, રાધિકાએ રીલ્સ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમાં તેની રમતગમતને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હતી.
રાધિકાએ કર્યો ‘કારવાં’ ગીતમાં અભિનય
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઇચ્છતી રાધિકા યાદવે એક વીડિયો આલ્બમમાં પણ કામ કરીને અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. આ આલ્બમના “કરવાં યું હી ચલતા રહા મેરા, દિન ભી યું ધલતા રહા મેરા, ફિર તુમ્હારી યાદ આયી હમકો…” ગીતમાં તેના અભિનયની સરાહના કરવામાં આવી હતી. આ ગીતના કો-એક્ટર સાથે પણ રાધિકાનું નામ જોડવાની અટકળો ચાલી રહી છે. પરંતુ એક્ટરે આ અટકળોને ફગાવી દીધી છે.
ગીતના શુટિંગ વખતે પરિવાર સાથે હતો
રાધિકાનો કો-એક્ટર હાલ વિદેશમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક્ટરે જણાવ્યું છે કે, “રાધિકા સાથે મારું નામ જોડવું તદ્દન ખોટું છે, કારણ કે હું રાધિકાને ફક્ત બે વાર મળ્યો છું.” જોકે વીડિયો આલ્બમના ગીતના શુટિંગ વખતે રાધિકાના પરિવારજનો પણ તેની સાથે હતા.
લોકોના મ્હેણાટોણા પિતાથી સહન ન થયા
દીકરી માટે એકેડેમી બનાવ્યા બાદ રાધિકાના પિતાની મૂંઝવણ વધી હતી. પોલીસની પૂછપરછમાં દીપક યાદવે જણાવ્યું હતું કે, “જ્યારે પણ હું ગામમાં જતો હતો, ત્યારે ગામના લોકો મને દીકરીની કમાણી ખાનારો કહેતા હતા.” ગ્રામજનોની આ વાતથી પિતા દીપક ખૂબ જ નારાજ રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પિતા અને પુત્રી વચ્ચે ટેનિસ એકેડેમીને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો.
પોલીસ કરી રહી છે કેટલાક સવાલોની તપાસ
રાધિકા યાદવની હત્યાના ગુનામાં પિતા દીપક યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર પણ મળી આવી છે. પોલીસ હવે રાધિકાનો મોબાઇલ તપાસી રહી છે. જેનાથી તેણીએ કોની સાથે વાત કરી હતી? એ જાણવા મળશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઇચ્છતી રાધિકા યાદવનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈના દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે કે નહીં? તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય હત્યાના સમયે પરિવાર શું કરતો હતો? એ માટે પોલીસ રાધિકાના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.