બે દિવસ પછી આવજોઃ બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ

નવી દિલ્હી: બેંકનું નામ પડતા લોકોના મનમાં એક વાત આવે કે, સમય અને શ્રમ બંનેનો વ્યય થશે. નાના અમથા કામ માટે પણ બેંકોના ઘક્કા ખાવા પડતા હોય છે. કોઈ વાર સર્વર તો કોઈ ગેરહાજર કર્મચારી માટે વારંવાર બેંકે જવું પડતું હોય છે. આવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રાહકોને અમુક અધિકારો આપે છે. આ અધિકારોની જાણકારી હોવાથી ગ્રાહકો બેંક કર્મચારીઓની બેદરકારી સામે ઝડપથી ફરિયાદ કરી શકે છે અને સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે.
જો બેંક કર્મચારી ઓફિસના કલાકો દરમિયાન તમારા કામમાં વિલંબ કરે છે અથવા બિનજરૂરી રાહ જોવડાવે છે, તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને આપેલા અધિકારોનો ઉપયોગ કરીને તમે આવા કર્મચારી સામે કાર્યવાહી કરાવી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા અધિકારોની જાણકારી હોવી જોઈએ અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ફરિયાદ કરવાથી બેંક કર્મચારી પર તાત્કાલિક કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, તમે સૌથી પહેલા બેંકના મેનેજર અથવા નોડલ ઓફિસરને આ બાબતે જાણ કરી શકો છો, જેથી સમસ્યાનું ઝડપી નિરાકરણ થઈ શકે.
ગ્રાહકોની મુશ્કેલીઓનું મુખ્ય કારણ તેમના અધિકારો વિશેની અજાણતા બની શકે છે. જો બેંક કર્મચારી યોગ્ય વર્તન ન કરે, તો ગ્રાહકો સીધા ભારતીય રિઝર્વ બેંક અથવા બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકે છે. ઘણા ગ્રાહકો લાંબા સમય સુધી રાહ જોવે છે, પરંતુ તેના બદલે તેઓ બેંકના ગ્રીવન્સ રિડ્રેસલ નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે. દરેક બેંક પાસે ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ હોય છે, જે ગ્રાહકોની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરે છે. આ ઉપરાંત, તમે બેંકના ટોલ-ફ્રી નંબર પર ફોન કરીને અથવા બેંકના ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
જો બેંકના મેનેજર કે ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ દ્વારા 30 દિવસમાં તમારી સમસ્યાનું નિરાકરણ ન થાય, તો તમે ભારતીય રિઝર્વ બેંકના કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) પર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારે https://cms.rbi.org.in વેબસાઈટ પર જઈને ‘File A Complaint’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ ઉપરાંત, CRPC@rbi.org.in પર ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. RBIનો ટોલ-ફ્રી નંબર 14448 પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, જેના પર ફોન કરીને સમસ્યાનું નિરાકરણ મેળવી શકાય છે. બેંકિંગ લોકપાલ દ્વારા ગ્રાહકો બેંકિંગ સેવાઓની ખામી, મોડું થતું ટ્રાન્ઝેક્શન, UPI ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા અથવા લોન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.
આ પણ વાંચો….શું બેંક કર્મચારીઓને મળશે દર શનિવારે રજા? જાણો લોકસભામાં સરકારે શું આપી વિગતો!