ગણતંત્ર દિવસ પહેલા પુલવામામાંથી મળ્યા IED, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ સતર્ક

શ્રીનગરઃ દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે (75th Republic Day of India). દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લામાં IED જપ્ત કર્યું છે. જોકે, સુરક્ષા દળોએ તેને નિષ્ક્રિય કરીને મોટી આતંકવાદી ઘટનાને અટકાવી હતી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં હજુ સુધી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સુરક્ષા દળોએ બડીબાગ-પહુ રોડ પરથી આ IED પકડ્યું છે.
મીડિયાના રિપોર્ટ અનુસાર આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ પર છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને કાશ્મીરમાં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ડીજીપીએ કાશ્મીરમાં તમામ કાર્યક્રમ સ્થળો પર કડક સુરક્ષા કરવા સૂચના આપી હતી.
જાણો શું છે IED?
IED (Improvised explosive device) પણ એક પ્રકારનો બોમ્બ છે, પરંતુ તે લશ્કરી બોમ્બથી અલગ છે. મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે આતંકવાદીઓ IEDનો ઉપયોગ કરે છે. IED બ્લાસ્ટ થતાંની સાથે જ ઘટનાસ્થળે આગ લાગી જાય છે, કારણ કે તેમાં ઘાતક અને આગ લગાડનાર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાસ કરીને આતંકવાદીઓ રસ્તાના કિનારે IED લગાવે છે, જેથી તેનો પગ અથડાતાં અથવા વાહનનું વ્હીલ તેની સાથે અથડાતાં જ તે બ્લાસ્ટ થઈ જાય છે. IED બ્લાસ્ટમાં ધુમાડો પણ ખૂબ જ ઝડપથી નીકળે છે.
ડીજીપી આરઆર સ્વૈને કહ્યું હતું કે, “પાકિસ્તાન અને તેની એજન્સીઓ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે.”
આ બેઠકમાં પોલીસ, આર્મી, CRPF, BSF, SSB, CISF અને અન્ય સહયોગી એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન સંવેદનશીલ વિસ્તારો, વ્યક્તિઓ અને સ્થળોની સુરક્ષા પર વિશેષ દેખરેખની ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ગણતંત્ર દિવસને લઈને એક અધિકારીએ કહ્યું હતું કે ખીણમાં શાંતિ જાળવવા માટે પ્રજાસત્તાક દિવસ પહેલા સુરક્ષા સઘન કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે શહેર અને અન્ય જિલ્લા મુખ્યાલયોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે સુરક્ષા દળો કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે ઓચિંતી તપાસ અને વાહનોની તલાશી લઈ રહ્યા છે.