હૈદરાબાદમાં એક પતિએ પત્નીને જીવતી સળગાવી, બચાવવા આવેલી દીકરીને પણ આગમાં ધકેલી…

હૈદરાબાદઃ પતિ-પત્નીના સંબંધોમાં અત્યારે તિરાડો વધી રહી છે. નાની-નાની બાબતોથી ઝઘડાની શરૂઆત થયા છે અને પછી તે હિંસામાં પરિણમે છે. હૈદરાબાદમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. નાની એવી વાત પણ પતિ-પત્ની વચ્ચે લોહિયાળ બની શકે છે તેવી ઘટના બની છે. હૈદરાબાદમાં બનેલી આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં એક પતિએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી હોવાના અહેવાલ મળ્યાં છે. માત્ર પત્ની જ નહીં પરંતુ માતાને બચાવવા માટે આવેલી તેની દીકરીને પણ આગમાં ધકેલી દીધી હતી.
માતા સાથે દીકરીને પણ આગમાં ધકેલી દીધી
વિગતે વાત કરવામાં આવે તો, એક વ્યક્તિએ તેની પત્ની પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. જ્યારે તેની દીકરી માતાને બચાવવા માટે આવી જ્યારે પિતાએ તેની દીકરીને પણ આગમાં ધકેલી દીધી હતી. નલગોંડા જિલ્લાના હુઝૂરબાદમાં રહેતા વેંકટેશ અને ત્રિવેણીએ પ્રેમ લગ્ન કર્યાં હતા. લગ્નજીવન દરમિયાન ત્રિવેણીએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. પહેલા તો બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ પછી વેંકટેશ પત્ની ત્રિવેણી પર શંકાઓ કરવા લાગ્યો હતો.
વેંકટેશની શંકાઓ ધીરે-ધીરે ઝઘડાનું સ્વરૂપ લેવા લાગી
વેંકટેશ ખોટી શંકાઓના કારમે ત્રિવેણીને પરેશાન કરવા લાગ્યો હતો. જેના કારણે અનેક વખત ઝઘડાઓ શરૂ થવા લાગ્યાં હતાં. આ સ્થિતિમાં કોઈ સુધાર ના આવ્યો હોવાના કારણે ત્રિવેણી તેના માતા-પિતાના ઘરે રહેવા માટે જતી રહી હતી. ત્યાર બાદ વેંકટેશે ફરી ત્રિવેણીને વિશ્વાસમાં લીધી કે તે હવે સુધરી ગયો છે, પહેલા કરતા તેનામાં હવે બદલાવી આવી ગયો છે અને હવે તે તેની સારી રીતે સંભાળ રાખશે. જેથી પત્ની ત્રિવેણી પાછી હૈદરાબાદ રહેવા માટે આવી હતી.
સ્થાનિકોએ મહિલાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી
હૈદરાબાદ આવ્યાં બાદ પણ વેંકટેશ ત્રિવેણી પર ફરી શંકા કરવા લાગ્યો હતો. જેથી ફરી ઝઘડાઓ શરૂ થયા હતા. આ દરમિયાન વેંકટેશ વધારે ઉગ્ર બની ગયો અને ત્રિવેણી પર પેટ્રોલ નાખીને તેને સળગાવી દીધી હતી. આ દરમિયાને દીકરી માતાને બચાવવા માટે વચ્ચે આવી તો તેને પણ આગમાં ધકેલી દીધી હતી. આ ઘટના બાદ વેંકટેશ ત્યાથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ જ્યારે મહિલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જો કે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. જ્યારે દીકરીને સામાન્ય ઈર્જાઓ પહોંચી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા આરોપી વેંકટેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.



