મ.પ્ર.માં લાડલી બહેના યોજના અંગે નિવેદનથી ભારે હોબાળા બાદ પ્રધાને સ્પષ્ટતા કરી

રતલામ/ઇન્દોરઃ મધ્ય પ્રદેશ સરકારની લાડલી બહેના યોજના હેઠળ સહાયને મુખ્ય પ્રધાન મોહન યાદવના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા લાભાર્થીઓની હાજરી સાથે જોડતી તેમની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું રાજ્યના પ્રધાન વિજય શાહે રવિવારે જણાવ્યું હતું.
શાહે શનિવારે રતલામમાં એક બેઠક દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓને જણાવ્યું હતું કે જો લાડલી બહેન યોજનાની મહિલા લાભાર્થીઓ મુખ્ય પ્રધાન મોહન યાદવના પ્રસ્તાવિત સન્માન કાર્યક્રમમાં હાજરી આપશે તો તેમની માસિક સહાયમાં રૂા. ૨૫૦નો વધારો કરવામાં આવશે. વળી, આમ ન કરવા પર તેમનું વેરિફિકેશન ‘પેન્ડિંગ’ રાખવામાં આવશે.
આ વાત નવા વર્ષમાં રતલામમાં યોજનાના લાભાર્થીઓ દ્વારા મુખ્ય પ્રધાન યાદવ માટે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવાના શાહના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કહેવામાં આવી હોવાનું કહેવાય છે. આ અંગે શાહે જણાવ્યું કે મારા નિવેદનને તોડી-ફોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં ફેલાવવામાં આવી રહેલા ભ્રામક સમાચારોનું હું સંપૂર્ણપણે ખંડન કરું છું. રાજ્ય સરકાર સતત મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહી છે, જેથી આપણી બહેનો આત્મનિર્ભર બની શકે. તેમના પ્રત્યે ખોટા ઇરાદાનો કોઇ પ્રશ્ન જ નથી.
શાહે વધુમાં જણાવ્યું કે મને માહિતી મળી હતી કે કેટલીક અયોગ્ય મહિલાઓ લાડલી બહેના યોજનાનો લાભ લઇ રહી છે, જેનાથી લોકોમાં ભારે રોષ છે. એક અનૌપચારિક બેઠકમાં અમે ચર્ચા કરી હતી કે માત્ર યોગ્ય મહિલાઓને જ આ યોજના હેઠળ લાભ મળવો જોઇએ અને અયોગ્ય લાભાર્થીઓને હટાવી દેવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે લાડલી બહેના યોજના રાજ્યમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી.



