નેશનલ

2027માં કેવી રીતે થશે વસ્તી ગણતરી? કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ આપી અપડેટ

નવી દિલ્હી: ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ 2021 વસ્તી ગણતરી થવાની હતી. પરંતુ કોરોનાની મહામારીને કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી ન હતી. તેથી હવે કેન્દ્ર સરકાર 2027માં વસ્તી ગણતરી હાથ ધરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ આજે લોકસભામાં આગામી વસ્તી ગણતરી 2027 અંગે મહત્ત્વપૂર્ણ અપડેટ્સ આપ્યા હતા.

બે તબક્કામાં પૂરી થશે વસ્તી ગણતરી

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વસ્તી ગણતરીનું કાર્ય બે તબક્કામાં હાથ ધરવામાં આવશે અને આ વખતે તેમાં જાતિવાર વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી નીચે મુજબ બે તબક્કામાં પૂર્ણ થશે.

વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો એપ્રિલ-સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ઘરોની યાદી અને રહેઠાણની ગણતરીનો સમાવેશ થશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા માટે સંદર્ભ તારીખ 1 માર્ચ, 2027 ની મધ્યરાત્રિ રહેશે.

સંપૂર્ણપણે ડિજિટલ હશે વસ્તી ગણતરી

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં વસ્તી ગણતરી સપ્ટેમ્બર 2026માં હાથ ધરાશે, જેની સંદર્ભ તારીખ 1 ઓક્ટોબર, 2026ની મધ્યરાત્રિ રહેશે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીમંત્રીએ અન્ય એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2027માં યોજાનારી વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરવામાં આવશે. ડેટા એકત્રિત કરવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, અને નાગરિકો માટે ઓનલાઈન સ્વ-ગણતરી માટેની જોગવાઈઓ પણ હશે. કેબિનેટ સમિતિએ 30 એપ્રિલ, 2025ના રોજ લીધેલા નિર્ણય મુજબ 2027ની વસ્તી ગણતરીમાં જાતિવાર વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે. દરેક વસ્તી ગણતરી પહેલાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને ડેટા વપરાશકર્તાઓ પાસેથી મળેલા સૂચનોના આધારે પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button