2014માં કૉંગ્રેસ કેવી રીતે હારી? પૂર્વ કૉંગ્રેસી સાંસદે આપ્યું ચોંકાવનારું કારણ

નવી દિલ્હી: છેલ્લી ત્રણ ટર્મથી કૉંગ્રેસ કેન્દ્રમાં પોતાની સરકાર બનાવવાનું સપનું જોઈ રહી છે. પરંતુ તેને સતત નિષ્ફળતા હાથ લાગી રહી છે. આ નિષ્ફળતાની શરૂઆત 2014ની લોકસભાની ચૂંટણીથી થઈ હતી. જોકે, હવે 11 વર્ષ બાદ કૉંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ કુમાર કેતકરે 2014ની લોકસભાની ચૂંટણીને લઈને એક મોટો અને સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.
કૉંગ્રેસની હાર પાછળ વિદેશી એજન્સીઓનો હાથ
કૉંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ કુમાર કેતકરે બંધારણ દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધ્યો હતો. કુમાર કેતકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “2004 (145 બેઠકો) અને 2009 (206 બેઠકો)નું વલણ જોતાં કૉંગ્રેસ 250 બેઠકો જીતીને સત્તામાં રહી શકી હોત. જોકે, એક રમત રમાઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા વધવી જોઈએ નહીં.”
કુમાર કેતકરે સ્વીકાર્યું કે, 2014માં તત્કાલીન મનમોહન સિંહ સરકાર સામે અસંતોષ હતો. પરંતુ આ અસંતોષ તે હદ સુધી નહોતો કે જેનાથી કૉંગ્રેસની બેઠકોની સંખ્યા 206થી ઘટીને માત્ર 44 થઈ જાય.
વિદેશી એજન્સીઓએ ઘડ્યું કાવતરું
કુમાર કેતકરે 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીની શરમજનક હાર માટે CIA અને મોસાદ (Mossad) જેવી ગુપ્તચર એજન્સીને જવાબદાર ગણાવી હતી. કુમાર કેતકરે આ અંગે કહ્યું હતું કે, “એવા કેટલાક સંગઠનો હતા જે એવી રીતે કામ કરતા હતા કે, જ્યાં સુધી આપણે કૉંગ્રેસને 206 બેઠકોથી નીચે ન લાવીએ, ત્યાં સુધી આપણે અહીં (ભારતમાં) રમત રમી શકીશું નહીં. આ સંગઠનોમાંથી એક અમેરિકાનું CIA હતું અને બીજું ઇઝરાયલનું મોસાદ હતું.”
કેતકરે દાવો કર્યો કે આ બંને એજન્સીઓએ નક્કી કર્યું હતું કે જો ભારતમાં ફરી એકવાર સ્થિર કૉંગ્રેસ સરકાર અથવા કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર સત્તામાં આવે, તો તેઓ ભારતમાં દખલ કરી શકશે નહીં અને તેમની નીતિઓ લાગુ કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કેતકરે વધુમાં દાવો કર્યો કે CIA અને મોસાદ બંને માનતા હતા કે દિલ્હીમાં તેમના નિયંત્રણમાં એક અનુકૂળ સરકાર હોવી જોઈએ, જે બહુમતીમાં હોય, પરંતુ તે કૉંગ્રેસની ન હોય. કેતકરે ઉમેર્યું કે, મોસાદે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો…જનસંપર્ક વધારવા કૉંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા, પહેલા તબક્કામાં 60 દિવસનો કરશે પ્રવાસ



