
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને મોટી રાહત આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે 31 ડિસેમ્બર 2024 સુધી ભારતમાં આવેલા આવા લોકો માટે રાહત આપનારો છે.
શરણાર્થીઓને દસ્તાવેજ વિના રહેવાની મળી મંજૂરી
નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને હાલમાં લાગુ થયેલા ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકો) અધિનિયમ, 2025 હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચાર કે તેના ડરના કારણે 31 ડિસેમ્બર 2024ના રોજ અથવા તેના પહેલા ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને હવે પાસપોર્ટ કે અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
એવા હજારો પાકિસ્તાની હિન્દુઓ હતા, જેઓ 2014 પછી ભારત આવ્યા બાદ ભવિષ્ય અંગે ચિંતિત હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી આવા લોકોને મોટી રાહત મળશે. જોકે, નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે જૂના નિયમો યથાવત રહેશે. તેમને પહેલાંની જેમ ભારતમાં પ્રવેશ માટે પાસપોર્ટ કે વિઝાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો…“પાકિસ્તાનમાં જન્મ…. ભારતમાં બની ડૉક્ટર” જાણો CAAથી બદલાઈ એક યુવતીની જિંદગી