પંજાબના સુલતાનપુર લોધીમાં નિહંગો અને પોલીસ વચ્ચે ગોળીબાર, હોમગાર્ડ જવાન શહીદ
કપૂરથલા: આજે ગુરુવારે સવારે પંજાબના કપૂરથલાના સુલતાનપુર લોધીમાં ગુરુદ્વારા અકાલ બુંગા પાસે પોલીસ અને નિહંગ શીખો વચ્ચે આથમણ થઇ હતી. ગોળીબારમાં પીસીઆરમાં તૈનાત હોમગાર્ડ જસપાલ સિંહનું મોત થયું હતું. DSP સહિત 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુદ્વારા પર પોતાના અધિકાર માટે માટે બે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અગાઉ વાતાવરણ બગડતાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. પંજાબ પોલીસના ટોચના અધિકારીઓ સુલતાનપુર લોધી પહોંચી ગયા છે અને ગુરુદ્વારા બેર સાહિબ ખાતે બેઠક યોજવામાં આવી છે. બુધવારથી જ પોલીસ વોટર કેનન સાથે ગુરુદ્વારા સાહિબમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી.
મામલાની જાણકારી મુજબ 21 નવેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે બાબા બુઢા દળના જૂથના વડા સંત બાબા માન સિંહ તેમના 15-20 સાથીઓ સાથે બળજબરીથી ગુરુદ્વારા શ્રી અકાલ બુંગા સાહિબમાં ઘૂસી ગયા અને નિર્વૈર સિંહને દોરડાથી બાંધી દીધા હુમલો કર્યો. તેઓએ હથિયારો, મોબાઈલ ફોન અને પૈસા છીનવીને ગુરુદ્વારા સાહિબ પર કબજો કર્યો હતો.
બાબા માન સિંહ અને તેના 15-20 સહયોગીઓ વિરુદ્ધ સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અગાઉ વર્ષ 2020માં નિહંગ પ્રદર્શનકારીઓએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી નાખ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ અધિકારી કોવિડને કારણે વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા પ્રયાસ કરી રહ્યા હતા.