
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી જમ્મુથી લઈને રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારમાં હુમલો કર્યો છે. આ દરમિયાન સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઘણા રાજ્યોએ શાળાઓ બંધ રાખવાની અને પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ ભારતે પણ કડક જવાબી કાર્યવાહી કરી છે. ભારત તરફથી પાકિસ્તાન તરફ ઘણી મિસાઇલો છોડવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે વિનાશ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાહોર અને ઇસ્લામાબાદ પણ ભારતના નિશાના પર છે.
૨૨ એપ્રિલના રોજ પહલગામ હત્યાકાંડમાં 26 લોકોના મોતના બદલામાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખા પર હુમલો કર્યા બાદ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા સરહદી રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને કડક પગલાં લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની સરહદ પર સંવેદનશીલ સ્થિતિ છે. પંજાબ પાકિસ્તાન સાથે 532 કિમી, રાજસ્થાન લગભગ 1,070 કિમી અને ગુજરાત લગભગ 506 કિમી લાંબી સરહદ ધરાવે છે. પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે 2217 કિમી લાંબી સરહદ ધરાવે છે. આથી સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ, સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભુજમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ
અત્યાર સુધીની મળતી વિગતો અનુસાર, આજે રાત્રે પાકિસ્તાન તરફથી સરહદ પારથી જમ્મુ એરપોર્ટ પર મિસાઈલ અથવા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન, કચ્છના ભુજમાં તેમજ નલિયા અને નખત્રાણામાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત બનાસકાંઠાનાં સૂઈગામ સહિતનાં સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામા આવ્યું હોવાનો અહેવાલ છે.