હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે અત્યંત તેજાબી ભાષણ કરતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરો હુમલો કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુત્વ ભય, નફરત અને જુઠાણાં ફેલાવતું નથી.
સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્ર પ્રમુખ દ્વારા સંબોધવામાં આવ્યા તેના પર અભિનંદનના પ્રસ્તાવ પર બોલતાં તેમણે આવી ટિપ્પણી કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના ભાષમમાં વચ્ચે મધ્યસ્થી કરતાં જણાવ્યું હતું કે સંપૂર્ણ હિંદુ સમાજને હિંસક ગણાવવો એક ગંભીર મુદ્દો છે. ગાંધીએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ એ સંપૂર્ણ હિંદુ સમાજ નથી.
કૉંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું હતું કે બધા જ ધર્મો હિંમતની વાત કરે છે. તેમણે ઈસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મને ટાંકતા કહ્યું હતું કે બધામાં નિર્ભયતાના મહત્ત્વને શીખવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર મને નિશાન બનાવવામાં આવ્યો હતો. મારી સામે 20 કરતાં વધુ કેસ છે. મારું ઘર છીનવી લેવામાં આવ્યું હતું. ઈડી દ્વારા પંચાવન કલાકની પુછપરછ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. આ બધા પડકારો છતાં રાયબરેલીના સાંસદે બંધારણના રક્ષણ માટેના સંગઠિત પ્રયાસોને બિરદાવ્યા હતા. ભાજપના લોકો મારી સાથે જય સંવિધાનના નારા પોકારે છે તે સારું લાગે છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે વિપક્ષમાં બેસવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. હું વિપક્ષમાં બેસવા માટે આનંદિત અને ગર્વિત છું. અમારા માટે સત્તા કરતાં મોટી એક વસ્તુ છે અને તેનું નામ છે સચ્ચાઈ, એમ તેમણે કહ્યું હતું.
પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની છબી દર્શાવી હતી, જેને કારણે સ્પીકર ઓમ બિરલાએ તેમને યાદ અપાવવું પડ્યું હતું કે ગૃહની અંદર પ્લેકાર્ડ દર્શાવવાની પરવાનગી નથી. (પીટીઆઈ)