
શિમલા : દેશભરના રાજ્યોમાં બદલાયેલા હવામાન વચ્ચે શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. જેમાં શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટવાથી મોટું નુકસાન થયું છે. જેમાં ઘણા વાહનો પાણીમાં તણાઈ જવાની શક્યતા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ
સમગ્ર ઘટનાની વિગત મુજબ શનિવારે સાંજે લગભગ 6 વાગ્યે રામપુર નજીક જગતખાના વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટનામાં ભારે તબાહી મચી ગઈ છે. સ્થાનિકોના મતે કુદરતી આફતને કારણે પૂર આવ્યું હતું.જેના કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 વાહનો પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.
પૂર અને કાટમાળને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 6 વાગ્યે અચાનક પાણીનું પૂર આવ્યું હતું. તેમજ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. પાણીના આ પૂરે થોડી જ વારમાં રસ્તાની કિનારે પાર્ક કરેલા વાહનોને તણાઈ ગયા. અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર અને કાટમાળને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
પ્રવાસીઓને હોટલની બહાર ન નીકળવાની અપીલ
સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે. પ્રવાસીઓને હોટલની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.