હિમાચલ પ્રદેશમાં મૌસમનો કહેર; વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 72ના મોત અને 37 લાપતા, રેડ એલર્ટ જાહેર…

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વાદળ ફાટ્યાની ઘટનાઓ બની છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ લોકો માટે કહેર બન્યો છે. પોતાના ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી. કારણ કે, વરસાદના કારણે પૂર આવ્યું છે અને ભુસ્ખલનની આફત પણ અણધારી આવે છે. હિમાચલમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશમાં અત્યાર સુધીમાં 72 લોકોના મોત અને 37 થી પણ વધારે લોકો લાપતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે હજી પણ હિમાચલ પ્રદેશમાં મુશ્કેલી વધી શકે છે. અત્યારે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કર્યું છે, તેનો મતલબ કે હિમાચલ પ્રદેશમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાને કહ્યું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા રેડ એલર્ટને લઈ અમારી સરકાર પણ એલર્ટ છે. આ સાથે રાહત અને બચાવ કાર્યમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં અત્યારે સુધીમાં ભારે વરસાદના કારણે 19 જગ્યાએ વાદળ ફાટ્યાની ઘટનાઓ બની છે. જેના કારણે 72 લોકોના મોત થયા છે, જ્યારે 37થી વધારે લોકો લાપતા છે.
રેડ એલર્ટને કારણે સરકાર સંપૂર્ણપણે સતર્ક અને તૈયારઃ સીએમ સુખવિંદર સિંહ
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે, રેડ એલર્ટને કારણે સરકાર સંપૂર્ણપણે સતર્ક અને તૈયાર છે. મંડીના અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ સાથે નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને પીડબ્લ્યુડી પ્રધાન પણ આ વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ અને સમારકામના કામનો તાગ મેળવવા માટે બહાર ગયા છે.અત્યારે જેટલી બને એટલી વધારે સેવા અને સુવિધાની જરૂર જણાઈ રહી છે. હજી પણ રેડ એલર્ટની આગાહી હોવાથી હિમાચલ પ્રદેશની સ્થિતિ વધારે વણસી શકે છે.
મંડી જિલ્લાના સિરાજ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે નુકસાન
ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સિરાજ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે તારાજી સર્જાઈ છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે લાપતા થયેલા 37 લોકોમાંથી 30 લોકો આ વિસ્તારના છે. જેથી આ વિસ્તારમાં સરકાર દ્વારા ઝડપી મદદ મોકલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સિઝનના શરૂઆતના વરસાદમાં જ ભારે તબાહી જોવી મળી છે. જેથી સરકાર સત્વરે સ્થિતિ કાબૂમાં લઈને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયત્નો કરી રહી છે.