નેશનલ

હિમાચલના હાલ બેહાલઃ વરસાદને પગલે સેંકડો રસ્તા બંધ, ૮ જિલ્લામાં પૂરની ચેતવણી

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વરસાદને પગલે સોમવારે નેશનલ હાઇવે ૭૦૭ સહિત કુલ ૧૦૯ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપી હતી.

સ્થાનિક હવામાન વિભાગે મંગળવાર સુધી ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ અને કિન્નૌરના કેટલાક ભાગોમાં મધ્યમ પૂરના જોખમની ચેતવણી આપી છે. વિભાગે મંગળવાર સુધી રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું યલો એલર્ટ પણ જારી કર્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (એસઇઓસી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શિમલા જિલ્લાના હાટકોટી અને સિરમૌર જિલ્લાના પાઓંટા સાહિબ વચ્ચે નેશનલ હાઇવે ૭૦૭ને બંધ કરવા ઉપરાંત, સિરમૌરમાં ૫૫ રસ્તાઓ, શિમલામાં ૨૩, મંડી અને કાંગડામાં ૧૦-૧૦, કુલ્લુમાં ૯ અને સ્પીતિ અને ઉના જિલ્લામાં એક-એક માર્ગ બંધ છે.

આ પણ વાંચો: વડોદરામાં વરસાદથી એસટી ડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ

એસઇઓસીના જણાવ્યા મુજબ રાજ્યમાં ૪૨૭ વીજ પુરવઠા યોજનાઓ પણ ખોરવાઇ ગઇ છે. આ દરમિયાન સિરમૌર, બિલાસપુર અને મંડી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે રવિવાર સાંજથી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો હતો. સિરમૌર જિલ્લાના નાહનમાં ૧૪૩.૫ મિમી વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદી સ્થળ રહ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં ૨૭ જૂને ચોમાસાના આગમનથી અત્યાર સુધીમાં વરસાદમાં ૨૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ ૬૨૩.૯ મિમીની સરખામણીએ ૪૮૨.૧ મિમી વરસાદ નોંધાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૫૧ લોકોના મોત થયા છે અને રાજ્યને ૧,૨૬૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ૧૨ મહેસૂલ જિલ્લાઓમાંથી ૧૧માં વરસાદની ખાધ નોંધાઇ છે અને માત્ર શિમલા જિલ્લામાં ૧૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button