હિમાચલના સીએમ સુખુએ પર્સનલ બેંક ખાતામાંથી 51 લાખ રૂપિયા રાહત કોશમાં દાન કર્યા

આ વર્ષનું ચોમાસુ હિમાચલ પ્રદેશ માટે આફતરૂપ રહ્યું, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, રાજ્યને હાજારો કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. એવામાં મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ આપત્તિમાંથી બહાર આવી રહેલા રાજ્યના લોકો માટે એક દાખલો બેસાડ્યો છે. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ તેમના ત્રણ અંગત ખાતામાંથી 51 લાખ રૂપિયાની રકમ મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડ-2023માં દાનમાં આપી હતી. મળતી માહિતી મુજબ સીએમ સુખુના સેવિંગ એકાઉન્ટમાં હવે માત્ર 17 હજાર રૂપિયા જ બચ્યા છે.
મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ તેમની પત્ની કમલેશ ઠાકુરે સાથે મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાને આ ચેક આપ્યો હતો. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ ચોથી વખત વિધાન સભ્ય છે અને પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યા છે. જ્યારે તેઓ વિધાન સભ્ય હતા ત્યારે સામાન્ય અલ્ટો કાર ચલાવતા હતા અને મુખ્ય પ્રધાન બન્યા બાદ પણ તેઓ અલ્ટો કારમાં વિધાનસભા સત્રમાં પહોંચ્યા હતા.
સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે આપત્તિના આ સમયે નાના બાળકો પણ તેમની પિગી બેંક તોડી રહ્યા છે અને આપત્તિ રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. તો આવી સ્થિતિમાં મારે હિમાચલ પ્રદેશને આપત્તિમાંથી બહાર લાવવા મદદ કરવી જોઈએ. મારા ત્રણ ખાતાઓ તપાસ્યા બાદ આ રકમ મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં દાન કરી છે.
સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે અગાઉની જયરામ સરકાર દરમિયાન પણ તેમણે કોરોના સમયગાળા દરમિયાન પોતાનો પગાર કોવિડ રિલીફ ફંડમાં દાન કર્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન વિધાનસભ્ય તરીકે, તેમણે તેમનો એક વર્ષનો પગાર અને FD તોડીને રોગચાળા સામે લડવા માટે રાજ્ય સરકારને 11 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી હતી.
મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ સતત કેન્દ્ર સરકાર પાસે હિમાચલની આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માંગ સ્વીકારવામાં આવી નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર હિમાચલને મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકો બેઘર થઈ ગયા છે અને ઘણા લોકોના મોત થયા છે. એક અંદાજ મુજબ હિમાચલ રાજ્યમાં 24 જૂનથી અત્યાર સુધીમાં 8679.94 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દુર્ઘટના દરમિયાન રાજ્યમાં લગભગ 430 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અલગ-અલગ ઘટનાઓમાં 429 લોકો ઘાયલ પણ થયા હતા.