નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામત આંદોલન અને કટ્ટરવાદી પાર્ટીના હિંસક પ્રદર્શનથી દેશની સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે રાજીનામું આપીને દેશ છોડીને જતાં રહ્યા છે. આ દરમિયાન તેઓ ભારતીય વાયુ સેનાના વિમાન દ્વારા ઉતર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા અને અહી તેઓની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે થઈ હતી. હવે તેઓ હવે લંડન જતાં રહે તેવી ધારણા છે.
બાંગ્લાદેશમાં સત્તા પલટ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ પર ગહન ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કેબિનેટ કમિટી સમક્ષ બાંગ્લાદેશના મામલાને લઈને મહત્વના પાસાઓ મૂક્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હજાર રહ્યા હતા.
સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પીએમ મોદી સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વિદેશ મંત્રી જયશંકર સાથે વાત કરી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશની વણસેલી પરિસ્થિતિને લઈને BSF એક્ટિવ મોડમાં : વિદેશ પ્રધાન કરી રહ્યા છે બેઠકો
હિન્દુ મંદિરોમાં તોડફોડ:
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ તળિયે પહોંચી ચૂકી છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પણ સંકટ તોળાય રહ્યું છે . હાલ મળી રહેલી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ દ્વારા ઢાકામાં એક ભારતીય સંસ્કૃતિ કેન્દ્રમાં પણ તોડફોડ કરવામાં આવી છે અને સાથે દેશના ચાર હિન્દુ મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો છે. જો કે આ નુકસાન સામાન્ય હોવાનું કહેવાય રહ્યું છે. આંદોલનના પ્રત્યક્ષદર્શીઓ અને સમાજના લોકો દ્વારા આ વિગતો આપવામાં આવી છે.
સેનાએ સાંભળી દેશની કમાન:
બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ દરમિયાન પણ બાંગ્લાદેશમાં દેખાવો અને હિંસા યથાવત છે. સેનાએ સર્વદળિય બેઠક બોલાવીને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે.
BSF ફૂલ એલર્ટ:
આ સંકટ વચ્ચે ભારત સરકાર પણ સરહદ પર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે અને હાલ BSFને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. BSFએ આસામના કરીમગંજમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ ‘હાઈ એલર્ટ’ જાહેર કર્યું છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે અમે સોમવાર રાતથી સરહદ પર પ્રતિબંધિત આદેશો લગાવી દીધા છે.