મુસ્લિમ ભિખારીને કરવા છે ત્રીજા લગ્ન, પણ કોર્ટે એવો તો ઠપકાર્યો કે થઈ ગયો ચુપ

નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટે મુસ્લિમ પર્સનલ લો હેઠળ બહુપત્નીત્વ (polygamy) અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે મુસ્લિમ પુરુષો એકથી વધુ લગ્ન કરી શકે છે, પરંતુ તે શરતને આધીન છે કે તે પોતાની દરેક પત્ની સાથે ન્યાયી વર્તન કરી શકે અને તેમનું ભરણપોષણ કરી શકે. આ ચુકાદો એક એવા કેસના સંદર્ભમાં આવ્યો છે જ્યાં એક અંધ પુરુષ ત્રીજા લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બીજી પત્નીએ માંગ્યું ભિખારી પતિ પાસે ભરણપોષણ
કેરળના પલક્કડ ખાતે એક અંધ મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ દાવો કર્યો હતો કે તેનો પતિ ભીખ માંગીને મહિને 25,000 રૂપિયા જેટલી રકમ કમાય છે. જોકે, ફેમિલી કોર્ટે ભિખારીને ભરણપોષણ ચૂકવવા દબાણ કરી શકાય નહીં, એવું કહીને તેના ભરણપોષણની અરજી ફગાવી દીધી હતી.
જેને લઈને અંધ મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેના પતિ તેને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે અને ત્રીજા લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો છે. જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને ભરણપોષણ અંગે ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો, પરંતુ ત્રીજા લગ્નના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે.
કેરળ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્દેશ
કેરળ હાઈ કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું કે, જે પુરુષ પોતાની હાલની પત્નીઓનું ભરણપોષણ કરી શકતો નથી. તેને ફરીથી લગ્ન કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કુરાનના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ કાયદાનો હેતુ પુરુષને ન્યાયી રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ ચુકાદાને પગલે, હાઈકોર્ટે સમાજ કલ્યાણ વિભાગને આ પુરુષને ત્રીજા લગ્ન કરતા અટકાવવા માટે કાઉન્સેલિંગ આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ચુકાદો એ દર્શાવે છે કે કાયદો બહુપત્નીત્વની મંજૂરી આપવા છતાં, તે ન્યાય અને જવાબદારીના સિદ્ધાંતોને આધીન છે.
આ પણ વાંચો…મસ્જિદની બહાર સૂવરના માથા મૂક્યા અને લખ્યું રાષ્ટ્રપતિનું નામ, ફ્રાન્સના મુસ્લિમ સમુદાયમાં હડકંપ