કાશ્મીરમાં વરસાદે બાવન વર્ષનો તોડ્યો રેકોર્ડ: વૈષ્ણવ દેવી યાત્રા માર્ગ દુર્ઘટનામાં મરણાંક વધ્યો…

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે ઘણી જગ્યા પર ભૂસ્ખલનની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે કટરા નજીક અર્ધકુંવારી વિસ્તારમાં માતા વૈષ્ણો દેવીના યાત્રા માર્ગ પર ભૂસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં લગભગ 34 લોકોના મોત નીપજ્યા છે.
જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઝેલમ નદી ભયજનક સપાટીના પાર પહોંચી ગઈ છે. ત્યારે ઘણા લોકો હાલ સુધી મલબામાં દબાયેલા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે રાજ્ય સરકારે બચાવ કાર્યોને વેગ આપ્યો છે.

કટરા નજીક વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદથી ભૂસ્ખલન થયું હતું, જેમાં 34 લોકોનાં મોત નીપજ્યા છે. ઘણા લોકો મલબામાં ફસાયેલા હોવાની શંકાને પગલે NDRF અને અન્ય બચાવ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુમાં 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો, જેણે 1973નો રેકોર્ડ તોડ્યો.
જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદે 2019નો રેકોર્ડ તોડ્યો છે. ભારે વરસાદે પુલ, વીજળીની લાઇનો અને મોબાઇલ ટાવર્સને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત આ કુદરતી આફતથી 3500થી વધુ લોકો બચાવીની સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરિસ્થિતિની જાણકારી આપી અને કેન્દ્ર સરકારની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. અબ્દુલ્લાએ પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી, ખાસ કરીને તવી નદીના કિનારે આવેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જ્યાં નુકસાન વધુ થયું છે.
તેમણે જણાવ્યું કે બુધવારે વરસાદ ઓછો થતા થોડી રાહત મળી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધીમે-ધીમે ઘટી રહ્યું છે. વડાપ્રધાને ભૂસ્ખલનથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને પ્રશાસન દ્વારા તમામ મદદની ખાતરી આપી.
મુખ્યમંત્રીએ તવી નદી પરના એક પુલને થયેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો, જે 2014માં પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેમણે આવી ઘટનાઓના કારણો શોધવા નિષ્ણાત ટીમોને કામે લગાડવાની વાત કરી, જેથી ભવિષ્યમાં આવું ન બને.
આ કુદરતી આફતમા જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને ડોડા-કિશ્તવાડ જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે, જ્યારે રાજૌરી અને પુંછમાં પરિસ્થિતિ સામાન્ય છે. નદીઓના કાંઠે રહેતા લોકોના પુનર્વસનની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. નુકસાનનું મૂલ્યાંકન બાદ રાહત પેકેજ તૈયાર કરવામાં આવશે.
રાહત અને બચાવના પ્રયાસો
અબ્દુલ્લાએ જણાવ્યું કે રાહત અને બચાવ કાર્યો ઝડપથી ચાલી રહ્યા છે. NDRF અને સ્થાનિક વહીવટ ફસાયેલા લોકોને બચાવવા સતત કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનામાં શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના સ્વસ્થ થવાની કામના કરી. આ આફતે ફરી એકવાર કુદરતી આપદાઓ સામેની તૈયારી અને માળખાગત વ્યવસ્થાની મજબૂતી પર ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત,ભારે વરસાદની આગાહી