Top Newsનેશનલ

શરજીલ ઇમામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: ASGએ દલીલ સાથે રજૂ કર્યા પુરાવા

નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓ છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. આ આરોપીઓએ થોડા મહિનાઓ પહેલા દિલ્હી હાઈ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ સપ્ટેમ્બર 2025માં આ અરજીને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી હતી. તેથી આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણીમાં શું થયું, આવો જાણીએ.

ASGએ રજૂ કર્યા મહત્વના પુરાવા

દિલ્હી રમખાણોના કેસમાં આરોપી શરજીલ ઇમામ સહિત છ વ્યક્તિઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ.વી. રાજુએ કોર્ટમાં સીબીઆઈનો વિરોધ કરતા અનેક મહત્વના પુરાવા રજૂ કર્યા હતા.

ASG એસ.વી. રાજુએ દાવો કર્યો હતો કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) પસાર થાય તે પહેલાં જ સમગ્ર ઘટનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ASG એસ.વી. રાજુએ દલીલ કરી કે, આરોપીઓ દિલ્હીમાં પુરવઠો રોકવા માંગતા હતા. તેમનો હેતુ ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્ર, દિલ્હી અને આસામનું આર્થિક રીતે ગળું દબાવવાનો હતો. જેથી લોકોને આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત રાખી શકાય.

દિલ્હી રમખાણો સુનિયોજીત કાવતરું હતું

એસ.વી. રાજુએ જણાવ્યું કે આરોપીઓ “ચિકન નેક”નો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે આસામને ભારતના બાકીના ભાગ સાથે જોડતો લગભગ 16 કિલોમીટરનો સાંકડો વિસ્તાર છે. ASG રાજુએ કોર્ટને એક વિડિયો ક્લિપ બતાવી અને કહ્યું કે, આરોપીઓ કાશ્મીર અને ટ્રિપલ તલાક વિશે વાત કરીને મુસ્લિમોનો ટેકો મેળવવાની તક જોઈ રહ્યા હતા.

એસ.વી. રાજુએ જણાવ્યું કે દલીલ કરતા જણાવ્યું કે, આરોપીઓ કોર્ટને બદનામ કરવાનો પણ પ્રયાસ કરતા હતા અને બાબરી મસ્જિદ વિશે પણ વાત કરતા હતા. ASG રાજુએ ભારપૂર્વક જણાવ્યું કે, આ વિરોધ શાસન પરિવર્તનના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યા હતા, અને તેથી જ તેનો સમય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત સાથે સુસંગત હતો. આ કોઈ સંયોગ નહીં, પણ એક સુનિયોજિત કાવતરું હતું.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આ કેસમાં દિલ્હી પોલીસના પુરાવા અને આરોપીઓની દલીલો બાદ કોર્ટનો નિર્ણય શું આવે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો…દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button