‘તેઓ બહાદુર અધિકારી હતા’ કર્ણાટકમાં મહિલા અધિકારીની હત્યા
બેંગલુરુ: કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિજ્ઞાન વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય પ્રતિમા કેએસની બેંગલુરુના સુબ્રમણ્યપોરામાં સ્થિત તેમના નિવાસ સ્થાને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના સહકર્મીઓ અધિકારીની હત્યાથી સ્તબ્ધ છે અને તેઓએ જણાવ્યું હતું કે પ્રતિમા સૌથી બહાદુર અધિકારીઓમાંના એક હતા.
કર્ણાટક પર્યાવરણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિમા એક ખૂબ જ સક્રિય મહિલા અધિકારી હતા અને દરોડા પાડવાના હોય કે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તેમણે સખત મહેનત કરીને વિભાગમાં સારું નામ કમાવ્યું હતું. તેઓ ખૂબ જ બહાદુર હતા. તેણે તાજેતરમાં કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે હત્યાની તપાસ કરવામાં આવશે અને જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલા અધિકારી પ્રતિમાના ડ્રાઈવરે શનિવારે તેમને ઓફિસ પછી તેમના ઘરે ડ્રોપ કર્યા હતાં અને રાત્રે 8:30 વાગ્યે તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યાં હત્યા કરવામાં આવી હતી તે ઘરમાં પ્રતિમા આઠ વર્ષથી વધુ સમયથી રહેતા હતા. ઘટના સમયે તેમનો પુત્ર અને પતિ તીર્થહલ્લીમાં હતા. રવિવારે સવારે જ્યારે પ્રતિમાનો ભાઈ તેમના ઘરે પહોંચ્યો ત્યારે હત્યા અંગે જાણ થઇ હતી. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે કેસ હુમલાખોરની શોધની સાથે તમામ કડીઓની તપાસ કરવામાં આવી રહી છે.