કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં એચડી રેવન્નાની ધરપકડ, SITએ બેંગલુરુમાં દેવેગૌડાના ઘરેથી દબોચ્યા
બેંગલુરુઃ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસ અને પેન ડ્રાઈવ કેસમાં SITએ મોટી કાર્યવાહી કરી છે. કર્ણાટક પોલીસની SIT ટીમ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગયા ગુરુવારે, એક મહિલાએ મૈસુરમાં એચડી રેવન્ના વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો અને આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
જેડીએસ ધારાસભ્ય એચડી રેવન્નાની શનિવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. રેવન્નાની પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પદ્મનાભનગર સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી તેમની વિરુદ્ધ બેંગલુરુના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા યૌન શોષણ અને અપહરણના કેસ સાથે સંબંધિત છે. અગાઉ કોર્ટે અપહરણ કેસમાં એચ.ડી. રેવન્નાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SITએ રેવન્નાને બે વખત નોટિસ આપી હતી અને તે પછી પણ તે હાજર થયો નહોતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી બચવા માટે એચડી રેવન્નાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. આ અંગે આગામી સુનાવણી 6 મેના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્ના વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી અને સીબીઆઈ પાસે ઈન્ટરપોલ પાસેથી બ્લુ કોર્નર નોટિસ પણ જારી કરવાની માંગ કરવામાં આવી હતી.
એચડી રેવન્નાની ધરપકડ પહેલા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું હતું કે તેમને વધુ એક તક આપવામાં આવશે અને કલમ 41 હેઠળ નોટિસ આપવામાં આવી છે. તેણે SIT સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. જો તે 24 કલાકમાં હાજર નહીં થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે ગૃહમંત્રીએ જે કહ્યું હતું તે જ થયું અને આજે તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે રેવન્ના અને મૈસુર જિલ્લાના કૃષ્ણરાજનગર તાલુકાના રહેવાસી સતીશ બબન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ અપહરણ અને અન્ય આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શનિવારે અપહરણ કરાયેલી મહિલાને શોધી કાઢી હતી, જે કથિત રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ વીડિયો સ્કેન્ડલનો ભોગ બનેલી મહિલાઓ પૈકીની એક છે. સૂત્રોએ જણાવ્યું કે મહિલાને મૈસુર જિલ્લાના કાલેનાહલ્લી ગામમાં જેડીએસ ધારાસભ્ય એચડી રેવન્નાના અંગત સહાયક (પીએ) રાજશેખરના ફાર્મહાઉસમાંથી બચાવી લેવામાં આવી હતી.