IIM અમદાવાદમાં ભણેલા IPS અધિકારીએ ગોળી મારીને કર્યો આપઘાત, પત્નિ પણ છે IAS અધિકારી…

રાજકારણ અને પોલીસ વિભાગની અંદરની અનિયમિતતાઓને ઉજાગર કરનારા અધિકારીઓની જિંદગી કેટલી જટિલ હોઈ શકે છે, તેના ઉદાહરણ સમાન કિસ્સો સામે આવ્યો છે. હરિયાણા પોલીસના એડીજીપી વાય પુરન કુમારનું મૃત્યુ. મંગળવારની બપોરે ચંડીગઢમાં તેના ઘરમાં મળેલા તેના મૃતદેહે આખા પોલીસ વિભાગને હચમચાવી નાખ્યો છે, જ્યારે પ્રારંભિક તપાસમાં આને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટના એવી છે કે તેમાં સુસાઇડ નોટ અને વર્તમાન તેમજ નિવૃત્ત અધિકારીઓના નામોનો ઉલ્લેખ છે, જે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચંડીગઢના સેક્ટર-11માં તેના સાળાના ઘરના સાઉન્ડપ્રૂફ બેઝમેન્ટમાં પુરન કુમારને માથામાં ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તેણે તેના ગનમેનની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે અને મૃત્યુ પહેલા 9 પેજનું સુસાઇડ નોટ લખી છે. આ નોટમાં કેટલાક વર્તમાન અને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના નામો ઉલ્લેખનીય છે કે, પરંતુ તેની વિગતોને ફોરેન્સિક તપાસ બાદ જ જાહેર કરવામાં આવશે. ઘટના સમયે તેમની પત્ની આઈએએસ અધિકારી અમનીત પી. કુમાર જાપાનના પ્રવાસે હતા, અને ઘરમાં તેમની નાની પુત્રી હતી.

બપોરે લગભગ 2 વાગ્યે પુત્રીએ બેઝમેન્ટમાં જઈને પિતાને લોહીથી લથપથ જોયા અને તરત જ સિક્યોરિટીને જાણ કરી. પોલીસ અધિકારીઓ જેમ કે આઈજી પુષ્પેન્દ્ર સિંહ, એસએસપી કૌર અને એસપી સિટી પ્રિયંકા ઘટનાસ્થળે પહોંચ્યા અને ફોરેન્સિક ટીમે પુરાવા એકઠા કર્યા, જેમાં રિવોલ્વર, વસીયત અને સુસાઇડ નોટનો સમાવેશ છે. આ ઘટના પહેલાં પુરન કુમારે તેમના પીએસઓ પાસેથી રિવોલ્વર લીધી હતી અને કહ્યું હતું કે થોડું કામ છે. બેઝમેન્ટ સાઉન્ડપ્રૂફ હોવાથી ગોળીનો અવાજ કોઈને સંભળાયો નહીં.
IIM અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો અભ્યાસ
પુરન કુમાર આંધ્ર પ્રદેશના વતની અને અનુસૂચિત જાતિ સમુદાયના હતા, તેમણે બી.ઈ. (કોમ્પ્યુટર સાયન્સ) અને આઈઆઈએમ અમદાવાદમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2001 બેચના હરિયાણા કેડરના આઈપીએસ અધિકારી હતા અને તેમની સ્પષ્ટવાદિતા તેમજ વિભાગમાં અનિયમિતતાઓ સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા. તેમણે તત્કાલીન ડીજીપી મનોજ યાદવ સામે ભેદભાવના આરોપો લગાવ્યા હતા અને કોર્ટમાં પણ ગયા હતા. તાજેતરમાં તેમને આઈજી રોહતક રેન્જમાંથી ટ્રાન્સફર કરીને સુનારિયા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બુધવારે જોઈન કરવાના હતા.
રોહતકના એસપી નરેન્દ્ર બિજારનિયાએ જણાવ્યું કે સોમવારે એક શરાબ વ્યવસાયી પાસેથી લાંચ માંગવાના આરોપમાં હેડ કોન્સ્ટેબલ સુશીલ કુમારને પકડવામાં આવ્યો હતો, જે અગાઉ પુરન કુમાર સાથે કામ કરતો હતો. સુશીલે પુરન કુમારના નામે દર મહિને 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનું કબૂલ્યું છે. વીડિયો ફૂટેજ અને ફરિયાદના આધારે એફઆઈઆર નોંધાઈ અને સુશીલને કોર્ટમાં હાજર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. જોકે, પુરન કુમારને તપાસમાં સામેલ કરવા કે નોટિસ મોકલવામાં આવી નહોતી, અને તે પહેલાં જ તેમના મૃત્યુના સમાચાર મળ્યા.