યુપીના હાપુડ હાઈ-વે પર ‘ચાંદી’ લેવા માટે પડાપડી: ટ્રાફિક જામના વીડિયો વાયરલ…

હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડ બાયપાસ પર ચાલતા ટ્રકમાંથી રહસ્યમય સફેદ ધાતુ રસ્તા પર પડ્યા પછી ચાંદી સમજીને લોકોએ લેવા માટે પડાપડી કરી મૂકી હતી. વાત એટલી બધી વણસી ગઈ હતી કે લોકોની ભીડ વધતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. આ ધાતુને લેવા માટે અનેક લોકો રસ્તા પર પડાપડી કરવા લાગ્યાં હતાં. લોકો તેને ચાંદી સમજીને લઈ રહ્યાં હતાં. જેના કારણે હાઈ-વે પર જોરદાર ટ્રાફિકજામ સર્જાયો હતો. વાસ્તવમાં આ ધાતુ ચાંદી હતી કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે, પરંતુ લોકો તેને ચાંદી સમજીને લેવા માટે પડાપડી કરતા હતા, આના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સફેદ ધાતુને લેવા માટે પડાપડી કરી
હાપુડ દેહાત વિસ્તારના તતારપુર બાઈપાસ પાસે બુલંદશહર નજીક સોમવાર બપોરે ગઢમુકતેશ્વર તરફથી આવતા અને દિલ્હી તરફ જતાં એક ટ્રકમાંથી સફેદ રંગની ધાતુ રસ્તા પર પડી ગઈ હતી. આ ધાતુ પડતા જ રસ્તા પરથી પસાર થતા લોકો ઊભા રહી ગયા અને થોડા જ સમયમાં મોટી ભીડ એકત્ર થઈ ગઈ હતી. અનેક લોકોએ આ ધાતુને ચાંદી સમજીને બેગમાં ભરવાનું શરૂ કરી દીધું હતું.
ગામડાંઓમાંથી લોકો ધસી આવ્યાં!
સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, જ્યારે તે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારેને રસ્તા પર પડી રહેલી સફેદ ધાતુ દેખાઈ, લોકો ચાંદી હોવાનું કહેવા લાગ્યાં હતાં. ‘ચાંદી પડતી હોવાની’ વાત આસપાસના ગામડાંમાં ફેલાઈ તો ત્યાથી પણ લોકો દોડી આવ્યા અને તેને લઈ જવા લાગ્યાં હતા. આ દરમિયાન ધક્કામુક્કી પણ સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયાં હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. આથી હાપુર દેહાત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને રસ્તા પરથી હટાવીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
આ મામલે પોલીસે શું જણાવ્યું?
આ મામલે થાણા હાપુડ દેહાતના ઇન્ચાર્જ નીરજ કુમારે જણાવ્યું કે, આ સફેદ ધાતુ ચાંદી જ છે તેની સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી, પરંતુ તપાસ ચાલી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. જેથી ખબર પડી શકે કે આખરે આ ધાતુ ક્યાંથી આવી અને તેની વાસ્તવ કિંમત શું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ધાતુ ક્યાં વાહનમાંથી પડી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.



