ગ્યાસપુરા ગેસ દુર્ઘટનાઃ 11 લોકો ના મોત માટે કોઈ જવાબદાર નહીં! NGTએ નવી કમિટી બનાવી
પંજાબના લુધિયાણા જીલ્લાના ગ્યાસપુરામાં ગટર લાઇનમાંથી ગેસ લીક થવાને કારણે 11 લોકોના મોતના મામલામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. એનજીટીએ નવી તપાસ સમિતિની રચના કરી છે. આ કમિટી નવેસરથી તપાસ કરશે.
નોંધનીય વાત એ છે કે જિલ્લા વહીવટી તંત્રના રિપોર્ટમાં કોઈપણ વિભાગને દોષિત ઠેરવવામાં આવ્યો નથી. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોની બેદરકારીથી કેમિકલયુક્ત ગંદુ પાણી ગટર લાઇનમાં આવી ગયું હતું.
મળતી માહિતી મુજબ અકસ્માતની તપાસ માટે નવી તપાસ સમિતિમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત સચિવ, આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવનો સમાવેશ થાય છે. નવી બનેલી કમિટી ફરીથી ગેસ લીકેજ સ્થળની મુલાકાત લેશે. આ કમિટી ગેસ લીક થવાના કારણો અને જવાબદાર લોકોની ઓળખ કરશે.
ઉલ્લેખનીય છે કે ગત 30 એપ્રિલના રોજ ગ્યાસપુરામાં ગટર લાઇનમાંથી ગેસ લીક થવાને કારણે 11 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, ચાર પુરૂષો અને બે બાળકોનો સમાવેશ થાય છે. ગેસ લીક કેસની તપાસના અહેવાલમાં કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. કમિટી પર આરોપ છે કે તેણે જવાબદાર અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે.