ગુરુ તેગ બહાદુર સાહેબના 350મા શહીદ દિવસે 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન…

ગુરુ તેગ બહાદુર સાહેબજીના 350મા શહીદી દિવસ નિમિત્તે દિલ્હીના ચાંદની ચોક સ્થિત શીશગંજ ગુરુદ્વારાથી અમૃતસર સુધી 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુરુ સાહેબના જન્મસ્થળ ગુરુ કા મહલ, અમૃતસરમાં પૂર્ણ થશે. આ સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
શરૂઆતમાં લગભગ 250 લોકો યાત્રામાં જોડાયા
આ વિશાળ સાયકલ યાત્રાનો પ્રારંભ દિલ્હી સીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સરદાર મનજીત સિંહ જીકેના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં શરૂઆતમાં લગભગ 250 લોકો યાત્રામાં જોડાયા હતા, પરંતુ માર્ગમાં હજારો લોકો તેમાં જોડાશે અને અમૃતસર સુધી પહોંચશે.

લોકોએ ફૂલ વરસાવીને ગુરુ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ સાયકલ યાત્રામાં શીખ ભક્તો ઉપરાંત કાશ્મીરી પંડિતો, બાળકો, વડીલો અને વિકલાંગ લોકો પણ જોડાયા હતા. યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોએ ફૂલ વરસાવીને ગુરુ સાહેબ પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુ તેગ બહાદુર સાહેબજીના 350મા શહીદી દિવસ નિમિત્તે આ યાત્રા શરૂ કરવામાં આવી છે કે,જે છેક અમૃતસર સુધી પહોંચવાની છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ગુરુ તેગ બહાદુર સાહેબના 350મા શહીદી, દયા, નિર્ભયતા અને નિડરતાને પ્રચાર કરવાનો છે.
યાત્રાને ‘સીસ દિયા પર સિરાર ના દિયા’ નામ આપવામાં આવ્યું
મળતી વિગતો પ્રમાણે આ સાયકલ યાત્રાનું ‘સીસ દિયા પર સિરાર ના દિયા’નામ આપવામાં આવ્યું છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈ પાનીપથ, અંબાલા, લુધિયાણા અને જાલંધર માર્ગે અમૃતસર પહોંચશે. ગુરુ તેગ બહાદુર સાહેબની શહાદતને 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગુરુ સાહેબે પોતાના ધર્મ અને માનવ અધિકારના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું, પરંતુ ક્યારેય પણ માથું નમાવ્યું નહીં. જે માટે આ ભવ્ય સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.



