
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં આવેલા સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે સોમવારે આકસ્મિક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં સેનાના એક જવાન શહીદ થયો છે, જયારે એક જવાન ઘાયલ થયો છે.
અહેવાલ મુજબ કેમ્પની અંદર એક ચોકી પર સંત્રી ગાર્ડની ફરજ પર હતો ત્યારે સાંજે 7.45 વાગ્યાની આસપાસ ભૂલથી ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સંભળાતા સમગ્ર કેમ્પમાં ખળભળાટ મચી ગયો હતો. આતંકવાદી હુમલો થયો હોવાની આશંકાએ અન્ય જવાનોએ તાત્કાલિક વિસ્તારની ઘેર બંધી કરી હતી.
જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગ્રેનેડ બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સેનાના અધિકારીના જણાવ્યા મુજબ કે વિસ્ફોટની જાણકારી મળી છે, હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત નથી લાગી રહી. પુષ્ટિ થયા પછી માહિતી શેર કરવામાં આવશે.
નોંધનીય છે કે પૂંછ લાઈન ઓફ કંટ્રોલ(LoC) નજીક આવેલો પ્રદેશ છે, અવારનવાર સરહદ પારથી આ વિસ્તારમાં ઘુસણખોરી કરવામાં આવે છે. સ્થાનિક લોકોને પણ આતંકવાદી હુમલાનો સતત ડર રહે છે. આ વિસ્તારમાં વાહન વ્યવહાર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓનું ઠેકાણું મળ્યું, આઈઇડી અને વાયરલેસ સેટ મળ્યાં…