આસામ: આર્મી કેમ્પ પર મોડી રાત્રે ગ્રેનેડ હુમલો, 3 જવાન ઘાયલ; સર્ચ ઓપરેશન શરુ

ગુવાહાટી: ગત મોડી રાત્રે આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથરમાં આવેલા આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ કેમ્પ પર ગોળીબાર કરવામાં અને ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતાં, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. આર્મી કેમ્પની આસપાસ લગભગ એક કલાક સુધી ગોળીબાર અવાજો સંભળાયા હતાં, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
પ્રાથમિક અહેવાલ મુજબ, ભારતીય સેનાના 19 ગ્રેનેડિયર્સ યુનિટ કેમ્પ પર મોડી રાત્રે ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રેનેડ વિસ્ફોટમાં ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
સર્ચ ઓપરેશન શરૂ:
આ હુમલા બાદ સ્થાનિક પોલીસ સાથે સેનાએ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અહેવાલ મુજબ હુમલાખોરો ટ્રકમાં સવાર થઇને આવ્યા હતાં, તપાસ દરમિયાન ટ્રક અરુણાચલ પ્રદેશના તેંગાપાની વિસ્તારમાં મળી આવ્યો હતો. હુમલાખોરો મ્યાનમારની સરહદે આવેલા ગાઢ જંગલ તરફ ભાગી ગયા હોઈ શકે છે.
આ સંગઠનોનો હાથ હોઈ શકે છે:
સ્થાનિક અહેવાલો મુજબ પ્રતિબંધિત બળવાખોર સંગઠનો નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN-K-YA) અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ (ULFA-ઈન્ડિપેન્ડન્ટ) દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં સુરક્ષા અંગે ચિંતા:
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં પણ સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓને કારને ઉત્તરપૂર્વ ભારતમાં સુરક્ષાસ્થિતિ અંગે ચિંતા ઉભી થઇ છે.
આપણ વાંચો: ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?