ગ્રેટર નોઈડામાં ગંભીર અકસ્માત: નિર્માણાધીન ઈમારતમાં લિફ્ટ તૂટી, ચાર શ્રમિકોના મોત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મોટો અકસ્માત થયો છે. ગ્રેટર નોઈડા પશ્ચિમમાં કન્સ્ટ્રકશન સાઈટ પર લિફ્ટ તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લીફ્ટ તૂટી પડતા ચાર શ્રમિકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌર સિટી એક મૂર્તિ નજીક ‘આમ્રપાલી ડ્રીમ વેલી સોસાયટી’ની નિર્માણાધીન ઈમારતમાં આ અકસ્માત થયો હતો. શુક્રવારે સવારે ત્યાં કામ કરતા શ્રમિકો 14મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર કન્સ્ટ્રક્શન મટિરિયલ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સર્વિસ લિફ્ટ તૂટી પડી હતી. જેના કારણે લીફ્ટમાં રહેલા ચારેય મજૂરોના મોત થયા હતા. અકસ્માત થતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે સાથી શ્રમિકોએ પોલીસ અને સોસાયટીના સભ્યોને જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ તૂટવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.
અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ હાજર છે. બિલ્ડિંગની નજીક કોઈને જવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.