સરકાર બાળકોના શિક્ષણને પહોંચાડે છે નુકસાનઃ કોંગ્રેસે શિક્ષણ પ્રધાન પર તાક્યું નિશાન
નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે છઠ્ઠા ધોરણના નવા પાઠ્યપુસ્તકો આપવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો હતો કે કે શિક્ષણ મંત્રાલય બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકારની પરીક્ષા એજન્સીની બિનકાર્યક્ષમતા સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયના સ્તર પર ખરાબ સ્થિતિ ફરી એકવાર સામે આવી છે.
બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે એક બેઠકમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા મુજબ શાળાના પાઠ્યપુસ્તકોની તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ધોરણ 6ના પાઠ્યપુસ્તકો આપવામાં થઇ રહેલા વિલંબ પર ચર્ચા કરાઇ હતી.
આ પુસ્તકો એપ્રિલમાં વિદ્યાર્થીઓને આપવાના હતા. આ પુસ્તકો હજુ સુધી બજારમાં મળી રહ્યા નથી. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે અગાઉ જાહેરાત કરી હતી કે 2024-25ના શૈક્ષણિક સત્રથી ધોરણ 3 અને 6 માટે નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: મેકોલે પહેલાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ હતું?
જયરામ રમેશે કહ્યું હતું કે “શાળાનું વર્ષ શરૂ થયું હોવા છતાં એનસીઇઆરટી- રાષ્ટ્રીય (નાગપુર વાંચો) શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન માટે નવા પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં નિષ્ફળ રહી છે.
તેમણે કહ્યું કે “અયોગ્ય નેશનલ ટેસ્ટિંગ એજન્સીના માધ્યમથી પરીક્ષા પ્રક્રિયાને નુકસાન પહોંચાડાયા બાદ ‘નોન બાયોલોજિક’ વડાપ્રધાનનું શિક્ષણ મંત્રાલય આપણા બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રિન્ટિંગમાં 10 થી 15 દિવસનો સમય લાગશે. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવામાં બે મહિનાનો સમય થઇ શકે છે.