ઇમ્ફાલ: મણિપુરમાં ઘણા લાંબા સમયથી નાની મોટી હિંસાઓ થતી રહી છે ત્યારે સરકાર તેને શાંત પાડવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં 29 નવેમ્બરના રોજ સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી બળવાખોર ગણાતા જૂથે કાયમી શાંતિ કરાર માટે સહમતી દર્શાવી હતી. સરકાર આ જૂથ સાથે છેલ્લા ઘણા દિવસોથી વાત કરી રહી હતી.
યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) મણિપુરના સૌથી મોટા સશસ્ત્ર સંગઠને નવી દિલ્હીમાં સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેના વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
ગૃહ પ્રધાને એક્સ પર લખ્યું હતું કે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવા માટે મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. મણિપુરની ખીણમાં સૌથી જૂના ઉગ્રવાદી સંગઠન UNLFને હિંસા છોડીને શાંતિની અપીલ સ્વીકારી હતી. હું તેમનું લોકશાહીમાં સ્વાગત કરું છું. તેમજ તેમને શાંતિ અને પ્રગતિના માર્ગ પરની તેમની સફર માટે શુભેચ્છા પાઠવું છું.
અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની મેઇતેઈ સમુદાયની માંગનો વિરોધ કરવા માટે પહાડી વિસ્તારોમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યપં હતું જેમાં હિંસા ફાટી નીકળતા અંદાજે 180 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારથી આ માર્ચનું આયોજન થયું ત્યારથી મણિપુરમાં નાની મોટી હિંસાઓ થતી રહી છે.
જેના કારણે ત્યાં રહેતા લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ લોકો છે. જેમાં મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસીઓ (નાગા અને કુકી) વસ્તીના 40 ટકા છે. તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.
નોંધનીય છે કે યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)ને યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ મણિપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં સક્રિય એક ઉગ્રવાદીઓનું બળવાખોર સંગઠન છે. જેનો ઉદ્દેશ સાર્વભૌમ અને સમાજવાદી મણિપુરની સ્થાપના કરવાનો છે.