કેરળના સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી કોણે કરી? વિપક્ષી ગઠબંધને સરકારને ભીંસમાં લીધી, જાણો સમગ્ર મામલો?

થિરુવનંતપુરમઃ કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં ગોલ્ડ ચોરીના આરોપોએ ધાર્મિક અને રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. આ મામલે કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન યુડીએફે કેરળ વિધાનસભામાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં દેવસોમ મંત્રીના રાજીનામાની માંગ સાથે સભાગૃહની કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ વિવાદે મંદિરની પવિત્રતા પર ગંભીર સવાલ કરવાની સાથે રાજકારણ પણ ગરમાયું છે.
કેરળ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન યુડીએફના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરવાની સાથે તક્તિઓ લહેરાવીને જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા વી.ડી. સતીસને દેવસોમ મંત્રી વી.એન. વાસવનના રાજીનામાની માંગ ફરીથી ઉઠાવી હતી, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આ વિવાદ સબરીમાલા મંદિરના દ્વારપાલની મૂર્તિઓના સોનાના પડવાળા તાંબાના આવરણમાં કથિત ગેરરીતિઓને લઈને ઊભો થયો છે. વિપક્ષે આ મામલે ત્રાવણકોર દેવસોમ બોર્ડ પર ચોરી અને દુરુપયોગના આરોપો લગાવ્યા હતા.
કેરળ હાઈ કોર્ટે સોમવારે આ મામલે ગંભીર પગલું ભરતા સબરીમાલા મંદિરના દ્વારપાલની મૂર્તિઓના સોનાથી મઢેલા તાંબાના આવરણમાં થયેલી કથિત અનિયમિતતાઓની સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો હતો. કોર્ટે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) એચ. વેંકટેશની અધ્યક્ષતામાં એક ખાસ તપાસ ટીમ (SIT) રચવાનો નિર્દેશ આપ્યો હતો. જેની દેખરેખ ત્રિશૂરના KEPAના સહાયક નિદેશક (પ્રશાસન) એસ. શશિધરન (IPS) કરશે. આ ટીમને છ અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું છે આખો વિવાદ?
સબરીમાલા મંદિરના ગર્ભગૃહ બહારની દ્વારપાલની પથ્થરની મૂર્તિઓ પર તાંબાની શીટ્સ પર સોનાનું પડ ચઢાવવામાં આવ્યું છે, જેની સાથે છેડછાડના આરોપોએ વિવાદને જન્મ આપ્યો હતો. વિપક્ષે દાવો કર્યો કે ત્રાવણકોર દેવસોમ બોર્ડે મરામત માટે આ પેનલો દૂર કરીને ઉન્નીકૃષ્ણન પોટ્ટી નામના પ્રાયોજકને સોંપી હતી.
2019માં પ્રથમ વખત આ પેનલો મરામત માટે દૂર કરવામાં આવી હતી, જે 39 દિવસ પછી 38.258 કિલો વજન સાથે પરત કરવામાં આવી, જેમાં 4.541 કિલો ઓછું જોવા મળ્યું હતું. સપ્ટેમ્બરમાં ફરીથી પેનલો દૂર કરવામાં આવી, પરંતુ હાઈકોર્ટની પરવાનગી વિના આ કાર્યવાહી થઈ હોવાનું સબરીમાલાના વિશેષ કમિશનરે 9 સપ્ટેમ્બરે જણાવ્યું. તપાસ દરમિયાન, 28 સપ્ટેમ્બરે ઉન્નીકૃષ્ણનની બહેનના તિરુવનંતપુરમના નિવાસસ્થાનેથી બે પેડેસ્ટલ મળી આવ્યા હતા.
ત્રાવણકોર દેવસોમ બોર્ડે આ આરોપોને ફગાવતા શનિવારે સ્પષ્ટતા કરી કે આ પેનલો ઉન્નીકૃષ્ણન પોટ્ટીને ક્યારેય સોંપવામાં આવી ન હતી. બોર્ડે જણાવ્યું કે 14 સોનાથી મઢેલી પેનલોનું કુલ વજન 38 કિલો હતું, જેમાં 397 ગ્રામ સોનું હતું. બે પેનલ સબરીમાલામાં જ રાખવામાં આવી, જ્યારે બાકીની 12 પેનલો, જેમાં 22 કિલો અને 281 ગ્રામ સોનું હતું, તે મરામત માટે મોકલવામાં આવી હતી.
ચેન્નઈની સ્માર્ટ ક્રિએશન્સે જીર્ણોદ્ધાર દરમિયાન 10 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો, અને હાઈકોર્ટના આદેશ મુજબ પેનલો પરત કરવામાં આવી. પરિણામે, 12 પેનલોમાં સોનાની માત્રા 291 ગ્રામ થઈ, અને કુલ 14 પેનલોમાં સોનું 397 ગ્રામથી વધીને 407 ગ્રામ થયું. બોર્ડે 2019ની મરામતમાં સ્માર્ટ ક્રિએશન્સ અને ઉન્નીકૃષ્ણન દ્વારા આપવામાં આવેલી 40 વર્ષની વોરંટીનો ઉલ્લેખ કર્યો અને 2025ની મરામત માટે તે જ પ્રાયોજકનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો…Sabarimala માં શ્રદ્ધાળુઓને મળશે વધુ સુવિધા, 18 પગથિયા ચઢતા જ થશે દર્શન…