ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
પુરીઃ પુરીમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા આ પ્રાચીન મંદિરમાં પ્રવેશવા માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. ભક્તો હવે 12મી સદીના આ મંદિરમાં હાફ પેન્ટ, બર્મ્યુડા, ફાટેલી જિન્સ, સ્કર્ટ અને અંગ પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને નહીં પ્રવેશી શકે. નવા વર્ષની શરૂઆતમાં જ મંદિર પરિસરમાં ગુટખા અને પાન ખાવા તેમ જ પ્લાસ્ટિક અનો પોલિથિનના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ વાત કરતાં જણાવ્યું હતું કે શ્રદ્ઘાળુઓએ મંદિરમાં પ્રવેશવા માટે શાલીન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, ફાટેલી જિન્સ, સ્લીવલેસ અને અંગ પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરનારને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ નિયમ લાગુ થયો એ પહેલાં 2024ના પહેલાં જ દિવસે મંદિર આવી રહેલાં પુરુષ શ્રદ્ધાળુઓને ધોતી અને પારંપારિક વસ્ત્રોમાં અને મહિલાઓને સાડી અને સલવાર સૂટમાં જોવા મળી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે કોઈ મંદિરમાં પ્રવેશ કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા વિશિષ્ટ પ્રકારનો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હોય. આ પહેલાં પણ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના અન્ય પ્રખ્યાત મંદિરોમાં ભક્તોને પ્રવેશ મેળવવા માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
પુરી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સોમવારે બપોરે 12 વાગ્યા સુધી આશરે 1,80,000થી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બમણાં ભક્તોએ દર્શન કર્યા છે.
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની ગોઠવણ કરવામાં આવી છે. આ સિવાય ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં સોમવારથી પાન અને તંબાકુ ખાઈને ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્લાસ્ટિક અને પોલિથિનના ઉપયોગ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.