ગોગામેડીની હત્યાના ગુજરાતમાં પડઘા: સુરત, વલસાડ, જામનગરમાં રાજપૂતોએ કર્યો ઉગ્ર વિરોધ
રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ઠેર ઠેર રાજપૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપીઓને પકડવાની માગ સાથે તેઓ ધરણા-વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજપૂતો સક્રિય થયા છે.
સુરતમાં કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરી છે. તો બીજી તરફ રાજકોટમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના નેતા આશાબા વાઘેલાએ કહ્યું કે, સુખદેવ સિંહ પર હુમલો થશે તેવી તેમને અગાઉથી જાણ થઇ હતી. તેમણે પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું હતું પરંતુ તે મળ્યું ન હતું. રાજકોટ રાષ્ટ્રીય કરણી સેના હત્યાની ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે.
આ ઉપરાંત રાજસ્થાન સાથે જેની સરહદો મળે છે તેવા બનાસકાંઠામાં પણ તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી ગોગામેડીની હત્યાનો વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના દાંતીવાડા પાસે આવેલું પાંથાવાડા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.
જામનગરમાં કરણી સેનાના પ્રમુખ રાજભા ઝાલા સહિત કરણી સેનાના યુવાનો મોટી સંખ્યામાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરી હતી. જો એવું ન થાય તો ઉગ્ર આંદોલન સહિત ભારત બંધના એલાનની ચીમકી પણ આપી હતી.
કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે ગોળીનો જવાબ ગોળીથી આપવો જોઇએ. વડોદરા કરણી સેના દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરવામાં આવી હતી. કરણી સેના સાથે સંકળાયેલા યુવકોએ જણાવ્યું હતું કે આ એક રાજકીય હત્યા છે. અમારી પાસે પણ હથિયારો છે.