દિલ્હીમાંથી ઝડપાયા 2 શૂટર્સ, મુનાવર ફારુકીની હત્યા કરવા લીધી હતી સોપારી

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગોદારા-ગોલ્ડી બ્રાર-વીરેન્દ્ર ચરણ ગેંગના બે શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જૈતપુર-કાલિંડી કુંજ રોડ પર સ્પેશિયલ સેલે આ બે શૂટર્સની ધરપકડ કરી હતી. અહેવાલો એવા મળ્યાં છે કે, આ શૂટર્સના નિશાના પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકી હતો. સ્પેશિયલ સેલે રાહુલ (પાણીપત) અને સાહિલ (ભિવાની)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધપરી છે.
સ્પેશિયલ સેલે રેકી ગોઠવી બે શૂટર્સને ઝડપ્યાં
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ બંને શૂટર્સ ગેંગસ્ટર રોહિત ગોદારાના આદેશ પર કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમને કોમેડિયન મુનાવર ફારુકીને ખતમનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આરોપીઓ કોમેડિયનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતાં. આ આરોપીઓને પડકવા માટે સ્પેશિયલ સેલે રેકી ગોઠવી હતી. કાલિન્દી કુંજ–પુષ્તા રોડ પર છટકું ગોઠવ્યું અને વહેલી સવારે 3 વાગ્યે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કાલિન્દી કુંજ–પુષ્તા રોડ પર ઝડપાયા આરોપીઓ
પોલીસે જણાવ્યું કે, કાલિન્દી કુંજ–પુષ્તા રોડ પર જ્યારે પોલીસે મોટરસાયકલ સવારોને ઊભા રહેવા કહ્યું, ત્યારે ગેંગસ્ટરોએ ગોળીબાર શરૂ કર્યો, જેના પગલે પોલીસે પણ વળતો જવાબ આપ્યો. જેમાં રાહુલને ગોળી વાગી હતી. સાહિલની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. રાહુલને ગોળી વાગી હોવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં તેની ઓળખ ડિસેમ્બર 2024માં હરિયાણાના યમુનાનગર ખાતે થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ આરોપી તરીકે થઈ હતી.
મુનાવરની હત્યા કરવા માટે શા માટે કહેવામાં આવ્યું?
મળતા અહેવાલો પ્રમાણે રાહુલ અને સાહિલ સામે હત્યાનો પ્રયાસ સહિત અનેક ગુનાઓ હેઠળ ફરિયાદો નોંધાયેલી છે. આખરે આ લોકોને મુનાવર ફારુકીની હત્યા કરવા માટે શા માટે કહેવામાં આવ્યું? તેના પાછળ હજી કોણ કોણ જવાબદાર છે? તે બાબતે પોલીસ દ્વારા આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. શંકા એવી પણ છે કે, મુનાવર ફારુકી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટ લિસ્ટમાં છે.