નેશનલ

ગોવા અગ્નિકાંડનો ચોંકાવનારો રિપોર્ટ: લાઇસન્સ પૂરૂ થઈ ગયું, છતાં નાઇટક્લબ ચાલું રહ્યો, બીજા પણ થયા ખુલાસા

પણજી: ગોવાના અરપોરા ગામ ખાતેના નાઇટક્લબમાં થયેલા અગ્નિકાંડનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબ સૉલ્ટ પૈન અને પાણીવાળા વિસ્તારની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ જમીન જમીન મહેસૂલ સંહિતા અને દરિયાકાંઠાના વિસ્તારના નિયમોનું ઉલ્લંઘન છે. આ ઉપકાંત કોઈપણ કાયદેસરના ટ્રેડ લાઇસન્સ વગર આ નાઇટક્લબ ચાલી રહ્યો હતો. આ રિપોર્ટને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો છે. જેમાં બીજા પણ ઘણા ખુલાસા થયા છે.

માર્ચ 2024 બાદ પૂરૂ થઈ ગયું લાઇસન્સ

‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબને અરપોરા-નાગોઆ ગ્રામ પંચાયત દ્વારા 16 ડિસેમ્બર 2023ના રોજ બાર, રેસ્ટોરન્ટ અને નાઇટક્લબ ચલાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ લાઇસન્સ 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થઈ ગયું હતું. જેને રિન્યુ પણ કરાવવામાં આવ્યું ન હતું. તેમ છતાં ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબ ચાલી રહ્યો હતો.

ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી નાઇટક્લબના માલિકોની સરપંચ અને તલાટી સાથે મિલીભગત હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, ટ્રેડ લાઇસન્સ વગર વ્યવસાય કરવા પર પરિસરને સીલ કરવાનો અધિકાર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લાઇસન્સની અરજીમાં પણ હતી ખામી

અગ્નિકાંડના રિપોર્ટમાં અરપોરા-નાગોઆ ગ્રામ પંચાયતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબને આપેલા લાઇસન્સને લઈને પણ ઘણી ખામીઓ સામે આવી છે. ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબે લાઇસન્સ માટે કરેલી અરજીમાં ખોટી એન્ટ્રી હતી, કેટલીક માહિતી જુદા-જુદા રંગની પેનથી ભરવામાં આવી હતી.માન્ય નક્શો, જમીન રેકોર્ડ અને ફોટો જેવા જરૂરી દસ્તાવેજો ગાયબ હતા. આમ, કોઈપણ પ્રકારના આધાર-પુરાવા વગર ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબને લાઇસન્સ આપી દેવામાં આવ્યું હતું.

ફાયર સેફ્ટિનો પણ હતો અભાવ

‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં આગ લાગવાની વાત કરીએ તો પોલીસના રિપોર્ટ પ્રમાણે કોઈપણ પ્રકારની સલામતીની વ્યવસ્થા વગર આતિશબાજી કરવામાં આવી હતી. જેના કારણે આગ લાગી હતી. ખાસ વાત તો એ છે કે, નાઇટક્લબમાં ફાયર સેફ્ટીના સાધનો પણ ન હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને ડેક ફ્લોર બંને પર ઇમરજન્સી એક્ઝિટની કોઈ વ્યવસ્થા ન હતી. જેથી આ નાઇટક્લબ પાસે ફાયર સેફ્ટી પરમિશન હતી કે નહીં, એવો પણ સવાલ ઊભો થયો છે. આ સિવાય તપાસમાં સામે આવ્યું છે કે, નાઇટક્લબ દ્વારા બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોની સ્પષ્ટ અવગણના કરવામાં આવી હતી.

કોર્ટે ક્લબોનું સમયાંતરે નિરીક્ષણ કરવાનો અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ સત્તાવાળાઓ દ્વારા કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ક્લબમાં નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2025 દરમિયાન ગોવાના ક્લબ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદો મુખ્યત્વે નોઇસ પોલ્યુશન અને પાર્કિંગની સમસ્યાઓ અંગે હતી. જોકે, અધિકારીઓએ આ ફરિયાદોની ટૂંકમાં તપાસ કરી તેને બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો…ગોવા અગ્નિકાંડના આરોપી લુથરા બ્રધર્સને થાઈલેન્ડથી દિલ્હી લવાયા, ગોવા પોલીસે કસ્ટડી લઈ કોર્ટમાં રજુ કર્યા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button